મહાપાલિકા બન્યા બાદ 20 દિવસમાં ભૂગર્ભની 360 ફરિયાદ, સ્ટ્રીટ લાઈટની 127, કચરાની 60 અને ભૂગર્ભ ઢાંકણા માટે 73 ફરિયાદમોરબી : ગુજરાત સરકારે મોરબીને મહાનગર પાલિકા જાહેર કરી કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓની ફૌજ મોરબીમાં મુક્યાના 20 દિવસ બાદ પણ મોરબીની સમસ્યાઓમા કોઈ જ સુધારો આવ્યો નથી ઊલટું નગરપાલિકા હતી તે સમયથી પણ વધુ ફરિયાદો પાછલા 20 દિવસમાં નગરજનોએ નોંધાવી છે, શહેરમાં ઠેર - ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા વચ્ચે કમિશનરે સફાઈને પ્રાથમિકતા આપવાનું વચન આપ્યું હોવા છતાં શહેરમાં ગંદકીના ગંજ ખડકાયેલ જોવા મળી રહ્યા છે.મોરબી શહેરમાં વર્ષોથી ભૂગર્ભ ગટરનું સમસ્યા માથાનો દુખાવો બની છે ત્યારે નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બનવા છતાં મોરબીના લોહાણાપરા, દાઉદી પ્લોટ, કાલિકા પ્લોટ, લાતી પ્લોટ, પૃથ્વીરાજ પ્લોટ, નવા ડેલા રોડ, વીસી પરા સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો અવિરત પણ ઉભરાય રહી છે. અને ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટ રાત્રી થતા જ બંધ થઈ જતા રાત્રે અંધારપટ્ટ છવાયેલો જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે, મોરબી મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળતી વખતે કમિશ્નર સ્વપ્નિલ ખરેએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સિરામિક નગરીમાં સ્વચ્છતા મારી પ્રાથમિકતા રહેશે પરંતુ આજે 20 દિવસ પછી પણ ઠેર- ઠેર કચરાના ગંજ અને ઉભરાતી ગટરો જોવા મળે છે. જેમાં લાતી પ્લોટ જેવા ઔદ્યોગિક વિસ્તારમાં તો કચરો કલેક્શન કરવા વાળા ભાગ્યે જ જોવા મળે છે. જેને કારણે કચરાના ઢગલા થઇ જતા લોકો જાતે જ કચરો સળગાવી રહ્યા છે.મહાનગર પાલિકાની કચેરીમાં જ કચરાના ઢગલાનગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલ મોરબી શહેરમાં તો ઠીક હાલમાં મહાનગર પાલિકા કચેરી વિસ્તારમાં જ ભૂગર્ભ ગટર ઉભરાય છે અને કચેરી આસપાસ તેમજ કચેરીના પાછળના ભાગે કચરો અને ભંગારના ખડકલા જોવા મળે છે ત્યારે મહાપાલિકાના સત્તાધીશો ઘરઆંગણેથી શરૂઆત કરી મોરબીને સ્વચ્છ બનાવે તે આવશ્યક છે.નોંધનીય છે કે, મુખ્ય રસ્તા પર કચરો ફેંકતા લોકો પાસેથી દંડ ઉઘરાવતી મહાપાલિકા શહેરના અંદરના વિસ્તારોમાં મુખ્ય રસ્તા જેવી સફાઈ કરે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે.મહાનગર પાલિકામા 20 દિવસમાં 600થી વધુ ફરિયાદમોરબી મહાનગર પાલિકાના સર્જન બાદ 20 દિવસના સમયગાળામાં મહાનગર પાલિકા સમક્ષ કુલ મળી 600 જેટલી ફરિયાદો આવી છે જેમાં 20 દિવસમાં ભૂગર્ભની 360 ફરિયાદ, સ્ટ્રીટ લાઈટની 132, કચરાની 60 અને ભૂગર્ભ ઢાંકણા માટે 73 ફરિયાદ નોંધાઇ હોવાનું સતાવાર સુત્રોમાંથી જાણવા મળે છે.