સિદસર ઉમિયા મંદિરના સવા શતાબ્દી પૂર્ણાહુતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં 2200 જેટલા કળશનું પૂજન કરાયું મોરબી : ઉમિયા માતાજી મંદિર સિદસરના સવા શતાબ્દી પૂર્ણાહુતિ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્રના શહેર, તાલુકા અને ગામોમાં મહાઆરતી મહારાસ અને કળશ પૂજનનો દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ ગત તારીખ 7 સપ્ટેમ્બર ને રવિવારના રોજ યોજાયો હતો. જેમાં મોરબીમાં પણ ગઈકાલે 7 સપ્ટેમ્બરના રોજ દિવ્ય ભવ્ય મહારાસ, કળશપૂજન અને મહાઆરતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાનાર હતો અને મોરબીમાં આશરે 10 હજાર મહિલાઓ એક સાથે મહારાસ રમીને વિશ્વ રેકોર્ડ બનાવવાની હતી. પરંતુ ભારે વરસાદના કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા તાત્કાલિક સ્થળ બદલવું પડ્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર કાર્યક્રમ નાની વાવડી સ્થિત પટેલ સમાજ વાડી ખાતે યોજાયો હતો. આ અંગે ઉમિયા મહિલા સમિતિ મોરબી જિલ્લા પ્રમુખ સુકેતાબેન સાપરિયાએ મોરબી અપડેટને વિગતો આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે 7 સપ્ટેમ્બરના રોજ ઉમિયા માતાજી મંદિર સિદસરના સવા શતાબ્દી પૂર્ણાહુતિ પ્રસંગે મોરબીના નાની વાવડી સ્થિત પટેલ સમાજ વાડીમાં મહાઆરતી, મહારાસ અને કળશપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પહેલા 10 હજાર જેટલી મહિલાઓ આ મહારાસમાં જોડાવાની હતી પરંતુ વરસાદના કારણે સ્થળ બદલવું પડ્યું હતું અને 2000 જેટલી મહિલાઓ મહારાસમાં જોડાઈ હતી અને આશરે બે કલાક સુધી લાઈવ ઓર્કેસ્ટ્રા અને સિંગર સાથે મહિલાઓએ રાસની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ મોરબીમાં જે 8000 પાટીદાર સમાજના ઘરોમાં કળશ આપવામાં આવ્યા છે તેમાંથી 2200 જેટલા કળશ લઈને પરિવારજનો પહોંચ્યા હતા અને આ કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાઆરતી પણ કરવામાં હતી. આ કાર્યક્રમમાં નકળંગ ધામ બગથળાના મહંત દામજી ભગતના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી સમૂહ લગ્ન સમિતિના મનુભાઈ કૈલા, મોરબી વિટ્રીફાઈડ એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.