તાલાલા - ઉમરાળામાં પોણા બે ઈંચ અને વિસાવદરમાં દોઢ ઈંચ વરસાદ રાજકોટ : વરસાદના ધોરી માસ અષાઢ પૂર્વે જ જેઠ મહિનો પૂર બહારમાં ખીલ્યો હોય તેમ મેઘરાજા દે ધનાધન વરસાદ વરસાવી રહ્યા છે.16 જૂનથી રાજ્યમાં ચોમાસુ બેસતાની સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વિશેષ મહેર સાથે ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સોમવારે મેઘરાજાએ સુરત શહેર અને જિલ્લાને તરબોળ કરી દઈ 10 ઈંચ હેત વરસાવ્યું હતું. સવારે 8થી 10 દરમિયાન બે કલાકમાં જ સુરતમાં પાંચ ઈંચ વરસાદ વરસતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.સોમવારે સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 135 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગે સોમવારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા-ઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી હતી જે મુજબ સવારથી સુરત શહેર અને જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ વચ્ચે સાંબેલાધારે વરસાદ વરસ્યો હતો. સવારે આઠથી દસ વાગ્યાના બે કલાકના સમયગાળામાં જ સુરતમાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદો સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ આજે મંગળવારે રાજ્યમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના સત્તાવાર આંકડા મુજબ સોમવારે સવારે 6 વાગ્યાથી લઈ સાંજના છ વાગ્યા સુધીમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં 10 ઈંચ, કામરેજમાં 7.36 ઈંચ, પલસાણામાં 6.3 ઈંચ, બારડોલીમાં 4.8 ઈંચ, તાપીના ડોલવણમાં સાડા ચાર ઈંચ, ઓલપાડમાં સવા ચાર ઈંચ, આણંદના બોરસદમાં 3.62 ઈંચ, સુરતના ચોરાસીમાં 3.54 ઈંચ, માંગરોળમાં 3.15 ઇંચ, માંડવીમાં 3.03 ઈંચ, આણંદના ખંભાતમાં 2.87 ઈંચ, નવસારીમાં 2.72 ઈંચ, તાપીના વ્યારામાં 2.36 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 2.09 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 1.77 ઈંચ, તાલાલામાં 1.73 ઈંચ, વિસાવદરમાં 1.5 ઈંચ, ગારીયાધારમાં 1.02 ઈંચ, ભેસાણમાં એક ઈંચ, ધારીમાં એક ઈંચ સહિત રાજ્યના 135 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.મોરબી જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ મોરબીમાં 02 મીમી ટંકારામાં 03 મીમી વાંકાનેર 53 મીમી