રાજ્યમાં 6.79 લાખ કરતા વધુ મહિલાઓને મદદગાર થઈ : મોરબી જિલ્લામાથી 10899 કોલ 181ને કરાયા : અભયમ મહિલા હેલ્પલાઈનની એપ 90 હજારથી વધુ મહિલાઓએ ડાઉનલોડ કરી મોરબી : ગુજરાત સરકાર દ્વારા આજથી પાંચ વર્ષ પૂર્વે મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની સમસ્યાઓથી બચાવવા તેમજ દરેક પ્રકારનું માર્ગદર્શન પૂરું પાડવા 181 'અભયમ' મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. 8 માર્ચ 2015 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ શરૂ કરવામાં આવેલી આ હેલ્પલાઇન લાખો મહિલાઓને સુરક્ષાનો અહેસાસ કરાવવામાં સફળ રહી છે. જેનો વ્યાપ હાલ વિસ્તરતો જાય છે. પાછલા 5 વર્ષોમાં મોરબી જિલ્લામાં 10899 કોલ 181એ રિસીવ કર્યા છે. જ્યારે 2590 મહિલાઓ માટે વેન મોકલી મદદગાર સાબિત થઈ છે. 100 નંબર જેમ પોલીસ ઇનર્જન્સી માટે લોકોને યાદ રાખવાની ક્યારેય જરૂર નથી પડતી એજ રીતે હવે ગુજરાતની દરેક મહિલાઓના હૈયામાં 181 નંબરની હૈયાધારણારૂપ સેવા વિશ્વસનીયતાનું એક પ્રતીક બની ગયું છે. 47 રેસ્ક્યુવાન 24×7 ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાતની આ સેવાએ દેશના અન્ય રાજ્યોનું ધ્યાન ખેંચ્યું છે અને આ મોડેલને અપનાવ્યું છે. કઠવાડા ખાતે આવેલા 181 અભયમ હેલ્પલાઇનના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની, રાષ્ટ્રીય મહિલા આયોગના તત્કાલીન અધ્યક્ષા તથા હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, તેલંગાણા, મહારાષ્ટ્ર રાજ્ય સહિતના રાજ્યોએ મુલાકાત લઈ આ મોડેલને મહિલા સુરક્ષા માટે શ્રેષ્ટ મોડેલ માન્યું છે. માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં 6,78,797 કરતા વધુ મહિલાઓએ જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન મેળવ્યું છે. અભયમ રેસ્ક્યુવાન સાથે જતા કાઉન્સિલરોએ 1,35,271 મહિલાઓને મદદ પુરી પાડી છે. જ્યારે 83, 346 જેટલા કિસ્સાઓમાં સ્થળ પર જ સમાધાન કરાવી કેસનો નિકાલ કરાવ્યો છે. 41,231 જેટલી મહિલાઓને લાંબાગાળાના કાઉન્સલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવી છે. આ વિશિષ્ટ સેવાને બહુ ઝડપથી મેળવી શકાય એ માટે સરકારે લોન્ચ કરેલી એપ્લિકેશન 90 હજાર કરતા વધુ મહિલાઓના મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ ચૂકી છે. 181 મહિલા હેલ્પલાઇનની ખાસ વિશેષતાઓ ◆મહિલાઓ સાથે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરે છે. ◆ટેક્નિલોજીનો ઉપયોગ કરી 24 કલાક સેવા આપતી હેલ્પલાઇન કાર્યરત છે. ◆પીડિત મહિલાને ટૂંકાગાળા અને લાંબાગાળાનું કાઉન્સલેશન અને માર્ગદર્શન પૂરું પાડે છે. ◆મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓની સમય સમય પર પ્રાથમિક માહિતી પૂરી પાડે છે. આ ઉપરાંત કોઈ પણ મહિલા ફોન પર જરૂરી માહિતી, માર્ગદર્શન વગેરે મેળવી શકે છે. મફત કાનૂની સહાય-સેવાઓ, મહિલાઓના હક્ક વિશેની માહિતી, સમાજ સુરક્ષા, મહિલા અયોગ્ય, નારી સંરક્ષણ ગૃહ વગેરેનો સંપર્ક અને સહાય, માર્ગદર્શન મેળવી શકે છે. આ ઉપરાંત આર્થિક ઉપાર્જન અને વ્યવસાયને લગતી માહિતી પણ 181 પર ફોન કરવાથી ઉપલબદ્ધ બને છે.