4 માસની બાળકી રાખી લઈને માતાને સાસરિયાઓએ ઘર નિકાલ કરી હતી મોરબી : નાની-બાબતોને લઈને પરિવારમાં ઘણી વખત વાતાવરણ ડહોળાતું હોય છે ત્યારે પરણીતાઓને વધુ સહન કરવાનું આવતું હોય છે. આવા બનાવોમાં મહિલાઓને ત્વરિત સહાય પહોંચાડવા, યોગ્ય માર્ગદર્શન આપવા સરકાર દ્વારા 181ની અભિયમ સેવા કાર્યરત છે. આ ટીમે અત્યાર સુધીમાં ઘણી મહિલાઓની સહાય કરી ઓન ધ સ્પોટ એમનો હક્ક અપાવ્યો છે કે તેઓનું કાઉન્સેલિંગ કરી કોર્ટ કાર્યવાહી સુધી જતા પહેલા સમાધાન કરાવ્યું છે.ગઈ કાલે મોરબી અભયમની ટીમને એક કોલ દ્વારા જાણ થઈ હતી કે એક પરિણીતાને તેના સાસરિયાઓએ મારકુટ કરી ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. સાથોસાથ મહિલાની 4 માસની પુત્રી પણ સાસરિયાઓએ પોતાના કબ્જામાં રાખી છે. ફોન આવતા જ મહિલા હેલ્પ લાઈનની ટીમના કાઉન્સલર પિંકી ભટ્ટ, કોન્સ્ટેબલ રૂપલબેન છૈયા અને પાયલોટ દેવજીભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં પરિણીતા અને તેના સાસરિયાઓનું વ્યવસ્થિત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બન્ને તરફની વાત સાંભળી એક યોગ્ય નિષ્કર્ષ પર બન્ને પક્ષની સમજાવટ કરાવીને સમાધાન કરાવ્યું હતું. આમ મહિલા હેલ્પ લાઈનની ટીમ દ્વારા કરાયેલા સંનિષ્ઠ પ્રયાસથી માતાને તેની 4 માસની બાળકી પરત મળી હતી અને સાસરિયામાં પણ માનભેર પુનઃપ્રવેશ કરાવડાવ્યો હતો.