પતિના અવસાન બાદ સાસરીયાઓએ તરછોડતા નિરાધાર બનેલી મહિલાનું કાઉન્સેલિંગ કરી પરિવાજનો સાથે મિલન કરાવ્યુંમોરબી અપડેટ: 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવ્યો હતો કે એક અજાણી મહિલા છેલ્લા ઘણા સમયથી એકલી આમતેમ રખડી રહી છે અને તેને મદદની જરૂર છે. આ માહિતી મળતા જ 181 અભયમ ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન અને પાયલોટ યુવરાજસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.ટીમે સૌપ્રથમ મહિલાને સાંત્વના આપી સુરક્ષિત જગ્યાએ બેસાડી હતી અને સંવેદનશીલતાપૂર્વક વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તેઓએ આશરે 12 મહિના અગાઉ લવ મેરેજ કર્યા હતા. તેમના પતિનું આશરે 6 મહિના પહેલા અવસાન થયું છે. પતિના મૃત્યુ બાદ પિયર પક્ષ દ્વારા મહિલાને પોતાના ઘરે લઈ જવામાં આવી હતી. આજે મહિલા પોતાની સાસરીમાં પરત આવી હતી, પરંતુ સાસરી પક્ષ દ્વારા તેમને સાથે રાખવાની સ્પષ્ટ ના પાડવામાં આવતા તેઓ નિરાધાર બની એકલા આમતેમ રખડતા હતા.સમગ્ર હકીકત જાણ્યા બાદ 181 અભયમ ટીમ મહિલાના જણાવેલા સરનામે પહોંચી હતી અને સાસરીયાઓ સાથે વાતચીત કરી યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું. તેમજ મહિલાને જરૂરી કાયદાકીય માહિતી, સલાહ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે નજીકમાં જ તેમના બહેન રહે છે અને હાલ તેઓ તેમના બહેનના ઘરે રહેવા ઈચ્છે છે.મહિલાની ઈચ્છા મુજબ 181 અભયમ ટીમ દ્વારા તેમને તેમના બહેનને સહી સલામત સોંપવામાં આવ્યા હતા. આ સાથે જ બહેનને મહિલાનું યોગ્ય ધ્યાન રાખવા અને તેમની સુરક્ષા તથા જરૂરિયાતો પૂરી પાડવા અંગે જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે, પીડિત મહિલાને સહી સલામત રીતે તેમના પરિવારજનો સાથે મિલન કરાવવા બદલ અને સમયસર મદદરૂપ બનવા બદલ પરિવાર દ્વારા 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #181Abhayam #WomenSafety #AbhayamHelpline #GujaratPolice #WomenEmpowerment #MorbiNews