મોરબી : સોશિયલ મીડિયાના આજના જમાનામાં પાકટ વય ન હોવા છતાં પ્રેમમાં અંધ બની ઘર છોડી કિશોરીઓ ચાલી જતી હોવાના અનેક બનાવો વચ્ચે મોરબીમાં પ્રેમાંધ કિશોરી માતા -પિતાની જાણ બહાર મધ્યરાત્રિએ ઘરેથી નીકળી ગયા બાદ 181 અભયમ ટીમે કિશોરીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.ગત તા. 7/3/2024ના રોજ વહેલી સવારે 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી કિશોરી મોરબી લાલપર ગામે રોડ પર 2 કલાકથી આમ તેમ આંટા ફેરા કરટી હોવાનું અને મુંઝવણમાં હોવા અંગે જાણ કરતા 181 ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ રીટાબેન પરમાર તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચ્યા હતાં. કિશોરીને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં. સૌપ્રથમ કિશોરીને સાંત્વના આપી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. કિશોરીનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે તેમને એક મધ્યપ્રદેશના એક પુરુષ સાથે છેલ્લા બે મહિનાથી પ્રેમ સંબંધ છે. તે પુરુષ કિશોરીને ફોન કરીને મધ્ય પ્રદેશ મળવા માટે બોલાવતા હોય કિશોરી તેમની બહેનપણીના ફોનમાંથી તે યુવક સાથે વાતચીત કરતી હોય કિશોરી પાસે ફોન ના હોય તેથી ક્યાં જવું, શું કરવું, કેવી રીતે જવું, ક્યાંથી જવું, બસ કેવી રીતે મળશે, કેટલા ટાઈમે બસ મળશે, ક્યાંથી ટ્રેન મળશે, બસમાં જવ કે ટ્રેનમાં જવ તેવા અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કિશોરી મુજાયેલી હાલતમાં હતી.ત્યારબાદ 181 ટીમે કિશોરીને મધ્ય રાત્રિએ આવી રીતના ક્યારેય પણ ઘરેથી નીકળી ન જવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આપી હતી અને તેમના માતા પિતાનું સરનામું પુછેલ અને તેમના પરિવારનો કોન્ટેક્ટ નંબર મેળવી ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા પિતા સાથે વાતચીત કરેલ અને તેમના ઘરે ગયેલા બાદમાં કિશોરી એ જણાવેલ કે તેમના પિતા દરજી કામ કરે છે અને તેમના માતા ઘરકામ કરે છે તેમજ કિશોરીને એક ભાઈ છે. કિશોરીના પરિવારે જણાવેલ કે આજથી એક મહિના પહેલાં તે યુવક સાથે ફોનમાં વાત કરતી હોય તેવી ખબર પડી તે દિવસથી ફોન આપતા નથી. તેથી ઘરમાં બધા સાથે ગેરવર્તન કરે છે અને તેની બહેનપણીના ફોન માંથી વાત કરે છે. તેમના પરિવારે જણાવેલ કે અમારી જાણબહાર તેમની દિકરી ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયેલ અને અમને ખબર પણ નથી. ત્યારબાદ 181 ટીમ દ્વારા કિશોરી અને તેમના પરિવારજનોનું કાઉન્સિલિંગ કરી અને કિશોરીને પરિજનોને સોંપેલ. તેણીના પરિવાર જનોએ તેમની દિકરીને સહી સલામત તેમના ઘરે પહોચાડવા બદલ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.