વતન એમ.પી. જવા માટે ઘરેથી નીકળેલા વૃદ્ધા ઘુટુ ગામેથી મળી આવ્યા: 9 કલાકની શોધખોળ બાદ પરિવારે રાહતનો શ્વાસ લીધોમોરબી: મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાર્યરત રહેતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ફરી એકવાર વહારે આવી છે. તારીખ 01/07/2026 ના રોજ રાત્રિના સમયે એક જાગૃત નાગરિક દ્વારા 181 હેલ્પલાઇન પર કોલ કરીને માહિતી આપવામાં આવી હતી કે, એક અજાણ્યા વૃદ્ધા મોરબીના ઘુટુ ગામે એક શેરીમાં છેલ્લા કેટલાક કલાકથી એકલા અને ગભરાયેલી હાલતમાં બેઠા છે અને તેઓ સરખું સરનામું આપી શકતા નથી.આ કોલ મળતા જ 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન પટેલ તેમજ પાયલોટ વિરમભાઇ જીડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમે વૃદ્ધાને સાંત્વના આપીને ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે વૃદ્ધા મૂળ એમ.પી.ના વતની છે અને છેલ્લા 1 મહિનાથી મોરબીમાં મજૂરી કામ કરતા પોતાના દીકરા-વહુ સાથે રહે છે. જો કે, તેમને મોરબીમાં રહેવું ન ફાવતું હોવાથી અને વતનની યાદ આવતી હોવાથી, તેઓ વહેલી સવારે કોઈને પણ કહ્યા વગર રેલ્વે સ્ટેશન જવા નીકળ્યા હતા પરંતુ રસ્તો ભૂલી ગયા હતા.બીજી તરફ, દીકરો અને વહુ છેલ્લા 9 કલાકથી પોતાની માતાની શોધખોળ કરી રહ્યા હતા પરંતુ તેમનો કોઈ પતો મળ્યો ન હતો. 181 ટીમ દ્વારા ભારે જહેમત બાદ પરિવારનો કોન્ટેક્ટ નંબર મેળવીને તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જરૂરી આધાર-પુરાવા ચકાસીને વૃદ્ધાને સહી-સલામત તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. આ સાથે જ ટીમે પરિવારને વૃદ્ધાનું ધ્યાન રાખવા બાબતે જરૂરી સમજાવટ અને કાયદાકીય માહિતી આપી હતી. વૃદ્ધાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવી આપવા બદલ પરિવારે 181 ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. #Morbi #MorbiUpdate #181Abhayam #AbhayamHelpline #Humanity #MorbiNews #Reunion