મોરબી: મોરબીના રફાળેશ્વર નજીક મેળામાંથી પરત ફરીને કેનાલના પાણીમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી એક તરુણનું ડૂબી જવાથી દુર્ઘટના સર્જાઈ છે. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને પાણીમાં લાપતા બનેલા તરુણની શોધખોળ હાથ ધરી છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બપોરે 15:12 વાગ્યાના અરસામાં મોરબી ફાયર કંટ્રોલરૂમને માહિતી મળી હતી કે રફાળેશ્વર નજીક કેનાલ અને ડેમ જ્યાં મળે છે તે વિસ્તારમાં એક વ્યક્તિ ડૂબી ગઈ છે. વિગતો મુજબ, મૂળ નવાગામના અને હાલ મોરબીના જેલ રોડ પર આવેલી નીલકમલ સોસાયટીમાં રહેતા સાહિલ દીપકભાઈ સોલંકી (ઉ.વ. 17) નામના તરુણ રફાળેશ્વર મેળામાંથી થઈને અન્ય બે લોકો સાથે કેનાલ પર ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન પાણીમાં ન્હાવા પડેલા ત્રણ લોકોમાંથી સાહિલ સોલંકી પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક બોટ અને તરવૈયાઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર જવાનો દ્વારા કેનાલના પાણીમાં બોટ મારફતે યુવાનની સઘન શોધખોળ ચલાવવામાં આવી છે. મેળાના માહોલ વચ્ચે આ દુર્ઘટના બનતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.