નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પૂર્વે જ ધોરણ 1થી 5મા હાઉસફુલ : બાલવાટિકા અને ધોરણ 6થી 8મા પ્રવેશ ચાલુ : શિક્ષણની સાથે બાળકોને યોગા, કરાટે, સંગીત સહિતની તાલીમમોરબી : મોરબી રાજવી પરિવારની શિક્ષણ પ્રત્યે દુરંદેશીના પરિણામે સદીઓ પૂર્વે શરૂ થયેલી એલ.ઇ.એન્જીનીયરીંગ કોલેજ આજે પણ દેશ વિદેશમાં પોતાની નામના પ્રસરાવી રહી છે. રાજા રજવાડાઓની પ્રજાવત્સલતા અને સ્ત્રી શિક્ષણની ઉમદાભાવનાને કારણે 164 વર્ષ મોરબીમાં કન્યા શિક્ષણ માટે માતુશ્રી બાજીરાજબા કન્યા શાળા શરૂ કરવામાં આવી જે આજે પણ શિક્ષણ સાથે સંસ્કાર ઘડતરનું કામ કરી રહી છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક સત્ર શરૂ થયા પૂર્વે જ અહીં ધોરણ 1થી 5માં એડમિશન ફૂલ થઈ ગયા છે.આજના સમયમાં શિક્ષણ મોંઘુંદાટ થયું હોવા છતાં પણ વાલીઓને ખાનગી શાળાઓનો મોહ છૂટતો નથી ત્યારે વર્તમાન સિનારિયોથી કઈક અલગ જ સ્થિતિ સિરામિક નગરી મોરબીમાં જોવા મળી રહી છે. શિક્ષણ પ્રત્યે સમર્પિત સરકારી શિક્ષકોને કારણે મોરબી જિલ્લામાં સરકારી શાળાઓ ખાનગી શાળાઓને પણ હંફાવી રહી છે તેવામાં મોરબી શહેરના દરબારગઢ પાસે આવેલ માતુશ્રી બાજીરાજબા કન્યા શાળા વિશેષ છે.સરકારી શાળા હોવા છતાં અહીં પ્રવેશ માટે ભલામણો કરવી પડે છે. સાથે જ શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પૂર્વે જ શાળાની કેપેસિટી કરતા અહીં વધુ કન્યાઓને પ્રવેશ આપવો પડે તેવી સ્થિતિ નિર્માણ થાય છે.નવા શૈક્ષણિક સત્ર માટે આ વર્ષે ધોરણ 1થી 5માં ક્લાસ ફૂલ થઇ ગયા છે. અને હાલ શાળામાં 408 વિદ્યાર્થીઓની સંખ્યા થઇ ગઈ છે. હવે માત્ર બાલવાટીકા અને ધોરણ 6થી 8મા જ પ્રવેશ ઉપલબ્ધ છે.માતુશ્રી બાજીરાજબા કન્યા શાળાના પ્રિન્સિપાલ નિલેષભાઈ કૈલા જણાવે છે કે, અમારી શાળા 1862થી કાર્યરત છે.164 વર્ષ જૂની આ ઐતિહાસિક શાળામાં તેમના સહિત કુલ 14 શિક્ષકો બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.અહીં સ્કૂલમાં તમામ કલાસ સ્માર્ટ કલાસ છે.બાળકોને અહીં ભણતર સાથે ગણતર અને સંસ્કારનું સિંચન કરવામાં આવે છે.તેઓ ઉમેરે છે કે, ક્વોલિટી શિક્ષણને કારણે વાલીઓ ખાનગી શાળામાથી તેમજ આરટીમાં પ્રવેશ મેળવેલા બાળકોને ઉઠાડી અહીં પ્રવેશ અપાવે છે.સૌથી મહત્વની વાત તો એ છે કે, છેલ્લા એક દાયકામાં બાજીરાજબા શાળામાં શિક્ષણની જ્યોત એવી પ્રજ્વલિત થઈ છે કે, આજુઆજુની ત્રણ ખાનગી શાળા બંધ થઈ ચૂકી છે.દરેક ક્લાસમાં હાલમાં 60થી 65 દીકરીઓને પ્રવેશ આપવામાં આવે છે.કનકેશ્વરી દેવીએ પણ અહીં શિક્ષણ મેળવ્યું છેમોરબીમાં રાજાશાહી સમયની ઐતિહાસીક માતુશ્રી બાજીરાજબા કન્યા શાળામાં અત્યાર સુધીમાં લાખો દિકરીઓએ શિક્ષણ મેળવી કોઈએ નોકરી તો કોઈ બિઝનેસમાં સ્થિર થયા છે તો કોઈ ગૃહિણી બની પોતાના સંતાનોમાં સંસ્કારોના સિંચન સાથે ઉચ્ચ શિક્ષણ આપી રહ્યા છે.મહત્વનું છે કે, મોરબીના જાણીતા કથાકાર અને સાધુ સમાજના અગ્રણી 1008 મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીએ પણ બાજીરાજબા કન્યા શાળામાં અભ્યાસ કર્યો છે.વિજ્ઞાનના દરેક ચેપ્ટર પ્રયોગ સાથે સમજાવાઈ છેમોરબીના દરબાર ગઢ પાસે આવેલ બાજીરાજબા શાળામાં અભ્યાસ કરતા તમામ છાત્રોને દરેક વિષયનું શિક્ષણ આપવાની સાથે દર વર્ષે શિક્ષણને લગતા વિષય અન્વયે પ્રવાસ ગોઠવી પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવે છે.સાથે જ શાળાએ નજીકમાં જ આવેલ નર્મદા બાલઘર સાથે ટાઈઅપ કરી વિજ્ઞાન વિષયના તમામ ચેપ્ટરને સામાન્ય રીતે અભ્યાસ કરવાને બદલે પ્રત્યક્ષ પ્રયોગ સાથે ભણાવી બાળકોને વિજ્ઞાન પ્રત્યે રુચી કેળવાઈ તેવું શિક્ષણ આપવામાં આવે છે.શાળાની પીએમ શ્રી શાળા તરીકે કેન્દ્ર દ્વારા પસંદગીમોરબી શહેરમાં મોંઘવારી વચ્ચે પણ બાળકોને સરકારી શાળામાં ઉત્તમ શિક્ષણ આપવા માટે અહીંના શિક્ષકો સમય જોયા વગર પરિણામ લક્ષી ફરજ બજાવી રહ્યા છે જેના પરિણામે 164 વર્ષ જૂની ઐતિહાસિક બાજીરાજબા શાળા કેન્દ્ર સરકારની પીએમશ્રી શાળા માટે પસંદ થઈ હોય અહીં બાળકોને વિશેષ સવલતો મળી રહી છે.