રેગઝીન ફેકટરીમાં યુરિયા પહોંચે તે પૂર્વે જ કચ્છ એસઓજી ટીમે બે આરોપીઓને ઝડપી લીધાહળવદ : હળવદ પંથકમાં ફર્ટિલાઈઝર એજન્સીઓ અને કૌભાંડી તત્વો ખેડૂતોના હિસ્સાનું સબસીડાઈઝ યુરિયા ખાતર સનમાઈકા અને રેગઝીન બનાવતી ફેક્ટરીઓને વેચી મારી કાળી કમાણી કરી રહ્યા હોવાનું જગ જાહેર છે ત્યારે પૂર્વ કચ્છ એસઓજી ટીમે આવા જ એક કૌભાંડમાં હળવદની ફર્ટિલાઈઝર પેઢીએ વેચેલા 160 થેલી નિમ કોટેડ યુરિયા સાથે બે શખ્સને ઝડપી લઈ કૌભાંડ ઉજાગર કરી હળવદ પેઢીના સંચાલક સહિત પાંચ આરોપીઓ વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છ એસઓજી ટીમે બાતમીને આધારે ભચાઉ નજીક આવેલ ગગન ટીમ્બરના રેગઝીન પ્લાન નજીકથી 160 થેલી નિમ કોટેડ યુરિયા ખાતરની 160 થેલી સાથે બે બોલેરો પીકઅપ ગાડી ઝડપી લઈ આરોપી ઇમરાન રમજું રાયમા રહે.ભચાઉ અને ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કર રહે.નવી ભચાઉ નામના શખ્સને ઝડપી લેતા આરોપીઓએ ખાતરનો આ જથ્થો પ્રકાશ પદમાભાઈ પટેલના કહેવાથી હળવદના શિવ એગ્રો એન્ડ ફર્ટિલાઈઝરમાંથી ભર્યો હોવાનું અને રફીક નામના આરોપીની સૂચના મુજબ ગગન ટીમ્બર નજીક ખાલી કરવાનો હોવાનું કબુલતા બન્ને આરોપીઓની ધરપકડ કરી હળવદના શિવ એગ્રોના સંચાલક, આરોપી પ્રકાશ અને રફીકને ફરાર દર્શાવી પાંચેય વિરુદ્ધ ગુન્હો દાખલ કરી બે બોલેરો સહિત કુલ રૂપિયા 16.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.