આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં ઉછાળાને પગલે એલપીજી અને પ્રોપેનના ભાવમાં ભડકો થવાની દહેશત મોરબી : આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં ઉછાળાને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગના મુખ્ય ઇંધણ એવા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપની દ્વારા વધારો કરાયા બાદ વર્તમાન સમયમાં ઉદ્યોગને સસ્તો ગેસ મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોપેન ગેસ ઉપર નાખવામાં આવેલી વધારાની 15 ટકા એગ્રિકલચર શેષ હટાવવા નિર્ણય કર્યો છે પરંતુ આ ડયુટીનો લાભ ઉદ્યોગોને મળે તેવા કોઈ જ અણસાર હાલમાં મળી રહ્યા નથી ઉલટું આગામી અઠવાડીયામાં નેચરલ ગેસના વિકલ્પે વપરાતા એલપીજી અને પ્રોપેનના ભાવમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે.વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબીમાં સિરામિક ઉદ્યોગને એક પછી એક મુશ્કેલીઓ નડતરરૂપ બની રહી છે, તાજેતરમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં બબ્બે વખત વધારો ઝીકી દેતા ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે તેવા સમયે જ સિરામિક ઉદ્યોગકારો દ્વારા વિકલ્પ રૂપે વપરાશમાં લેવાતા પ્રોપેન ગેસમાં કેન્દ્ર સરકાર દ્વારા જૂન-2023થી લાદવામાં આવેલી 15 ટકા એગ્રિકલચર શેષ હટાવવા નિર્ણય લેવાતા સીરામીક ઉદ્યોગને સસ્તો પ્રોપેન અને એલપીજી ગેસ મળવાની આશા બંધાઈ છે. જો હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં આવેલા ઉછાળામાં આ 15 ટકાનો ડ્યુટી લાભ પણ ઓગળી જવાના સંકેતો મળી રહ્યા છે.હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગને આઇઓસીએલ મુન્દ્રાથી પ્રોપેન ગેસ રૂપિયા 64.92ના ભાવે મળી રહ્યો છે. જયારે આઇઓસીએલ કંડલાથી એલપીજી ગેસ 64.54 પૈસાના ભાવે મળી રહ્યો છે. જો કે, મોરબીના ગેસ ડીલરોના જણાવ્યા મુજબ હાલમાં ગેસની અછત સર્જાઈ છે અને નવા વેસેલ આવ્યા બાદ નવા ભાવ મુજબ ગેસનો જથ્થો મળી શકે તેમ છે. જો કે વર્તમાન સ્થિતિ જોતા આગામી અઠવાડિયામાં નેચરલ પાઈપલાઈન ગેસની જેમ જ એલપીજી અને પ્રોપેન ગેસના ભાવમાં પણ ભાવ વધારો તોળાઈ રહ્યો હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.