પેનશન સહિતની કામગીરી અન્ય બ્રાન્ચમાં થઈ શકશે : હાલ બેંક ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય મોરબી : મોરબીમાં એસબીઆઈની મેઈન બ્રાન્ચમાં એક સાથે 15 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.જેને પગલે તકેદારીના ભાગરૂપે બ્રાન્ચને બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હજુ પણ યથાવત છે. જેમાં શહેરના ત્રિકોણબાગ ખાતે આવેલ એસબીઆઈની મેઈન બ્રાન્ચમા બે દિવસ પૂર્વે 11 કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા. ત્યારબાદ આજે વધુ 4 કર્મચારીઓ પોઝીટીવ આવ્યા છે. બેંકમાં કુલ 30 કર્મચારીઓનો સ્ટાફ હોય તેમાં 50 ટકા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે. વધુમાં અમુક કર્મચારીઓ રજા ઉપર હોય વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. જેના પગલે બેંકને આજથી ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ દિવસ બાદ બેંકને ખોલવી કે કેમ તે અંગે ઉપરથી સૂચના મળ્યા બાદ નિર્ણય લેવામાં આવશે તેમ બેંકના મેનેજરે જણાવ્યું છે. વધુમાં મેનેજરે જણાવ્યું છે કે પેનશન સહિતની જનરલ કામગીરી એસબીઆઈની અન્ય બ્રાન્ચમાં પણ થશે જેની ગ્રાહકોએ નોંધ લેવી.