આજે 3324 પશુઓનું રસીકરણ કરાયું : કુઓ મોત 38 થયા મોરબી : મોરબી જિલ્લામાં પશુઓ માટે ખતરનાક સાબિત થયેલા લમ્પી વાયરસને કારણે આજે 15 પશુઓના મોત નિપજ્યા છે. તેમજ લમ્પી વાયરસના આજે એક દિવસમાં 110 કેસ નોંધાતા પશુપાલકોમાં ફફડાટ મચી ગયો છે. મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી લમ્પી વાયરસના કહેરથી પશુઓને બચાવવા જિલ્લા વહીવટી તંત્ર, પશુ પાલન વિભાગ, સંસ્થાઓ અને સેવાભાવીઓ મેદાને આવીને પશુઓને આ રોગથી બચાવવા વધુને વધુ રસીકરણ કરી રહ્યા છે. ઉપરાંત શહેરમાં રખડતા ભટકતા નધણીયાત પશુઓનું પણ તેજ ગતિએ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આમ છતાં આ રોગ અટકાવવાનું નામ લેતો નથી એના બદલે વધતો જાય છે. મોરબી જિલ્લા પશુપાલન વિભાગના જણાવ્યા મુજબ આજે 15 પશુઓના મોત સાથે કુલ મોતનો આંકડો 38એ પહોંચ્યો છે. તેમજ આજે 110 કેસની સાથે કુલ કેસનો આંકડો 895 એ પહોંચ્યો છે અને આજનું 3324 રસીકરણ સાથે અત્યાર સુધીમાં કુલ 46,699 પશુઓનું રસીકરણ થયું છે.