લગ્ન સિઝન તેમજ શિયાળાની શરૂઆતને પગલે કેસમાં વધારો મોરબી : દિવાળી પર્વ બાદથી મોરબી જિલ્લામાં કોરોના દર્દીઓમાં જબ્બર ઉછાળો આવ્યો હતો. નવેમ્બર મહિના 458 દર્દીઓ નવા આવ્યા બાદ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 140 કેસ નવા આવ્યા છે. જેની સામે 90 દર્દીઓ એક સપ્તાહમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગત સપ્તાહે નવા આવેલા કેસમાં 35થી 40 ટકા એટલે કે 50થી વધુ દર્દીઓ સિનિયર સીટીઝન છે. આ ઉપરાંત, યુવાનો અને આધેડ વયના લોકો પણ કોરોના પોઝિટિવ થયા હોવાનું સામે આવ્યું હતું. સિનિયર સિટીઝન દર્દીઓ વધુ હોવાનું એક કારણ વાતાવરણમાં હાલ ઠંડી અને ગરમી એમ મિશ્ર ૠતુનો અનુભવ થવાને કારણે સૌથી વધુ આ ઉંમરના દર્દીઓ સંક્રમિત થયા છે. આ ઉપરાંત, ઘરના કોઈ યુવાન સભ્ય કોરોના સંક્રમિત થયા હોય અને તેનો ચેપ તેમના માતા-પિતાને લાગવાથી પોઝિટિવ થયા હોય તેવું પ્રમાણ વધુ રહ્યું છે. વધુમાં, હાલ લગ્નની સિઝન પુર બહારમાં ખીલી છે. જેના કારણે લોકોની અવરજવર અને બજારમાં ખરીદી માટે નીકળવાને પગલે સંક્રમણની ઝડપ વધી હતી. મોરબી જિલ્લામાં હાલ એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો સૌથી વધુ મોરબી શહેર અને ગ્રામ્યમાં છે. બન્નેના મળી એકટિવ કેસની સંખ્યા 154 છે. ત્યારબાદ વાંકાનેર 27 હળવદ 18, ટંકારા 11 અને માળીયામાં 1 કેસ આવ્યા હતા. આમ, કુલ એક્ટિવ કેસની સંખ્યા 212 છે. મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહેલ કેસની સંખ્યાને જોઈએ તો આગામી સપ્તાહમાં એક્ટિવ કેસની સંખ્યા 250નો આંક પાર કરી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. આ વધી રહેલા કોરોના કેસ વચ્ચે પણ રાહતની વાત એ છે કે જિલ્લામાં 154 કેસની સામે 90 દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. આમ, જિલ્લામાં ડિસ્ચાર્જ રેટ પણ વધ્યો છે. જિલ્લામાં આજ દિન સુધીમાં કોરોના અંગેની ઓલ પરિસ્થિતિ જોઈએ તો 2823 દર્દીઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા. જેમાથી 2432 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. જયારે 212 દર્દીઓ સારવાર ચાલી રહી છે. મોરબીમાં હાલ 4 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 16 ઓક્સીઝન પર મોરબી જિલ્લામાં અલગ-અલગ 8 કોરોના હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાં 4 દર્દીઓ વેન્ટીલેટર પર હોવાનું અને 16 દર્દીઓ ઓક્સીઝન પર હોવાનું સામે આવ્યું છે. મોરબી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો ત્યાં કુલ 25 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં 19 કોરોના પોઝિટિવ અને 6 સસ્પેકટેડ દર્દીઓ છે. મોરબીમાં હાલ ઓક્સિજન વપરાશમાં વધારો થયો નથી મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ચોક્કસ વધ્યું છે પણ ગંભીર કેસ એટલી હદે વધ્યા નથી કે વધુ પ્રમાણમાં વેન્ટીલેટર કે ઓક્સીઝનની જરૂરીયાત વધી હોય. જિલ્લામાં હાલ ઓક્સીઝન બોટલના વપરાશમાં નોંધપાત્ર વધારો સામે ન આવ્યા હોવાનું મોરબી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. સરડવાએ જણાવ્યું હતું.