જર્જરિત હાલતમાં જોખમી બનેલા મકાનને ચોમાસા પહેલા રીપેરીંગ કરવાની તાતી જરૂર મોરબી: ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પ્રિમોન્સૂન કામગીરી દરેક સ્તરે યોગ્ય રીતે થઈ છે કે કેમ તે જોવાની પાલિકાની જવાબદારી હોય છે. ખાસ કરીને નાલા, ગટરો, વોકળા સહિતની માળખાગત સુવિધાઓ તથા ખુલ્લા પ્લોટમાં ખડકાયેલા કચરાના ઢગની પાલિકા દ્વારા સાફ સફાઈ થતી હોય છે. જો કે ચોમાસા પૂર્વે શહેરી વિસ્તારમાં જોખમી દર્શાઈ રહેલી ઇમારતો કે બાંધકામ દૂર કરવાની કે રીપેરીંગ કરાવવાની દરકાર પણ પાલિકા રાખતી હોય છે. ત્યારે શહેરમાં આવી ઘણી ઇમારતો છે કે જે ભારે વરસાદમાં ધ્વસ્ત થઈ શકે છે. આવા બાંધકામો પ્રત્યે પાલિકાએ દુરલક્ષ્ય સેવવાના બદલે લોકોની સુરક્ષાને લઈને મહાનગરોમાં ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવે છે. જો કે મોરબી શહેરમાં આ દિશામાં યોગ્ય કાર્યવાહી થતી ન હોવાનું જાણકારો ચર્ચિ રહ્યા છે. શહેરની મોરબી નાગરિક સહકારી બેંકની સામે આવેલા લોહાણા મહાજન બોર્ડિંગની બાજુના બિલ્ડીંગની હાલત જીર્ણશીર્ણ થઈ ગઈ હોવાની તસ્વીર સામે આવી છે. આ બિલ્ડીંગમાં બારી પર રહેલા છજ્જા સ્લેબમાંથી છુટા પડી કટાઈ ગયેલા સરિયાને આધારે હવામાં ઝૂલી રહ્યા છે. થોડા પણ ભારે પવન કે વરસાદથી ગમે ત્યારે તૂટી પડે એવી હાલતમાં રહેલા આ સ્લેબને દૂર કરવાની તાતી જરૂરિયાત છે. આ માર્ગ પરથી રોજના સેંકડો વાહનચાલકો અને રાહદારીઓ પસાર થાય છે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જવવાનો ભય સતત ઝળુંબી રહ્યો છે. ત્યારે પાલિકા આ અને આવી જોખમી બનેલી ઇમારતોને ચોમાસા પૂર્વે દુરુસ્ત કરે અથવા મકાન માલિકો દ્વારા રીપેર કરાવે તેવી માંગ ઉઠી રહી છે.