મોરબી : મોરબીમાં રસ્તા પરથી મળી આવેલી એક 13 વર્ષીય બાળકીનું આજરોજ પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, શિયાળાની ઠંડી ઋતુમાં રસ્તા પર સૂતેલા લોકોને રૈન બસેરા આશ્રય ગૃહમાં લઈ જઈને રહેવા - જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેના સંચાલક અસ્મિતાબેન મારફતે જિલ્લા બાળ સુરક્ષા એકમ- મોરબીને 13 વર્ષની દીકરી રસ્તા પરથી મળી આવ્યાની જાણ થતાં બાળ કલ્યાણ સમિતિ - મોરબીની પરવાનગી થી બાળકીને વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ - મોરબી સંસ્થામાં 15 ડિસેમ્બરના રોજ આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ વિકાસ વિદ્યાલય સંસ્થાના કર્મચારીઓ અને બાળ કલ્યાણ સમિતિ મોરબીના ચેરમેન અને તેના સભ્યો તેમજ અસ્મિતાબેન દ્વારા બાળકીના વાલીને શોધવાના સઘન પ્રયત્નો કરવામાં આવ્યો હતો.જેમાં બાળ કલ્યાણ સમિતિના ચેરમેન અને તેના સભ્યો, વિકાસ વિદ્યાલયના કર્મચારીઓ અને અસ્મિતાબેનના સંયુક્ત પ્રયાસોથી આજરોજ 30 ડિસેમ્બરના રોજ બાળકીના વાલી મળી આવતા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજુ થઈને બાળકીને તેના વાલીને સોંપવામાં આવી હતી.