પિતા છૂટક દરજીકામ કરતા હતા, કપરા દિવસો સામે બાથ ભીડી યુવાને ખાનગી નોકરી પણ કરી અને સરકારી ભરતીની તૈયારી પણ કરી : ઓછા માર્કસથી નાસીપાસ થતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ કહાનીમોરબી : સ્કૂલ કે કોલેજના ઓછા માર્કસ આવે એટલે યુવાનો નાસીપાસ થઈ જતા હોય છે, તેઓ મનોમન નક્કી પણ કરી લ્યે છે કે હવે સારી કારકિર્દી નહિ રહે. પણ આવુ નથી. જાગ્યા ત્યારથી સવાર... મહેનત શરૂ કરી શકાય છે અને કરેલી મહેનત ક્યારેય એળે જતી નથી. આનું શ્રેષ્ઠ ઉદાહરણ મૂળ મોરબીના હિરેન ગઢવી છે. હિરેન ગઢવી જેઓ મોરબીના સોખડા ગામના વતની છે. તેઓના પિતા નરસીભાઈ ગઢવી જેઓ છૂટક દરજીકામ કરતા હતા. ઉપરાંત ચોકીદારની નોકરી કરી પરિવારનો ગુજારો કરતા હતા. હિરેન ગઢવી આમ તો અભ્યાસમાં એવરેજ હતા. તેઓએ ધો.1થી 10નો અભ્યાસ ઓમ શાંતિ સ્કૂલમાં કર્યો હતો. જ્યારે ધો.11 અને 12 સાયન્સ તેઓએ વી.સી.ટેક હાઇસ્કૂલમાં કર્યો હતો. બાદમાં બીએસસી મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજના કર્યું હતું. તેઓને કોલેજના 3 વર્ષમાં 13 KT પણ આવી હતી. વધૂમાં તેઓએ ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ઉપરાંત એક ખાનગી હોટેલના મેનેજર તરીકે જોબ પણ કરી છે. જો કે તેઓએ આની સાથે સરકારી ભરતીની તૈયારી માટે તનતોડ મહેનત કરી અને તેઓને વર્ષ 2017માં પીએસઆઈની પરીક્ષામાં સફળતા મળી હતી. હાલ તેઓ રાજકોટ એલસીબીની એન્ટી હ્યુમન સ્ક્વોડમાં ફરજ બજાવી રહ્યા છે. _________________________________________ઘરની પરિસ્થિતિ એવી હતી કે જાતે જ મોટિવેશન મળ્યુંPSI હિરેન ગઢવી જણાવે છે કે અત્યારના સમયમાં તો યુવાનો પાસે ભરપૂર તક છે. બસ મહેનતની જરૂર છે. તેઓની ઘરની પરિસ્થિતિ વિકટ હતી. જેનાથી તેઓને જાતે જ મોટિવેશન મળતું કે જો હું મહેનત કરીને આગળ નહિ વધુ, તો કોઈ સુધારો નહિ આવે. આમ તેઓ અથાગ મહેનત કરવા માટે પ્રેરાયા હતા. _________________________________________મિત્રોની સફળતા પણ પ્રેરણારૂપ રહીPSI હિરેન ગઢવી જણાવે છે કે કોઈ પણ યુવાનના મિત્રો પણ તેની કારકિર્દીમાં મહત્વનો ભાગ ભજવે છે. તેઓનું મિત્ર વર્તુળ હતું તેમાના મોટાભાગના યુવાનોએ સરકારી ભરતીની પરીક્ષાઓ પાસ કરી લીધી હતી. આ જોઈને તેઓ પણ સરકારી ભરતીની પરીક્ષા પાસ કરવા માટે પ્રેરાયા હતા. _________________________________________યુવાનો નબળા પરિણામથી હતાશ ન થાયPSI હિરેન ગઢવી જણાવે છે કે ઘણા યુવાનો નબળા પરિણામથી હતાશ થઈ જાય છે. પણ પરિણામથી ક્યારેય હતાશ ન થવુ જોઈએ. મહેનત કરવી જોઈએ, પરિણામની ચિંતા ન કરવી જોઈએ. હા, પરિણામ જે આવે તે, પણ કરેલી મહેનત ક્યારેય પણ એળે જતી નથી. કુદરત તેનું ઋણ કોઈને કોઈ સ્વરૂપે ચૂકવી જ દયે છે._________________________________________