ટેકાના ભાવે રૂ.15 હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરાશે મોરબી : એકતરફ માવઠાને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોના કપાસ, મગફળી અને સોયાબીન સહિતના તૈયાર ખરીફ પાકનો સફાયો બોલી ગયો છે ત્યારે ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ તા.1લી નવેમ્બરથી મુલત્વી રહેલી ટેકાના ભાવે મગફળીની ખરીદી આગામી તા.9 નવેમ્બરથી શરૂ કરી પ્રત્યેક ખેડૂત પાસેથી 125 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી હતી.કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની આગામી તા. ૯ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.વધુમાં તેમને ઉમેર્યું હતું કે, દેશના ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવવા ટેકાના ભાવમાં ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૪૮૦, અડદના ભાવમાં રૂ. ૪૦૦ અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૪૩૬ નો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારા સાથેનો પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળશે.વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી આશરે રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના ખેડૂતોએ ઓછા બજાર ભાવમાં પોતાની જણસ વેચવી નહીં પડે.રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને પ્રતિ ખેડૂત ૧૨૫ મણ મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કરવામાં આવ્યો છે. મગફળી મગ, અડદ અને સોયાબીન માટે ૩૦૦થી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જરૂરિયાત જણાય તો કેન્દ્રોની સંખ્યા હજુ પણ વધારવામાં આવશે.નોંધનીય છે કે, મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૭,૨૬૩ પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. ૮,૭૬૮ પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. ૭,૮૦૦ પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂ. ૫,૩૨૮ પ્રતિ કિવ. ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે.