પીજીવીસીએલની બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઇ હોવાના આક્ષેપ, વળતર આપવાની માંગહળવદ: હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામમાં ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનમાં સ્પાર્કિંગ થવાથી ઘઉંના ઊભા પાકમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી, જેમાં આશરે 1200 મણ જેટલા ઘઉં બળીને ખાખ થઈ ગયા છે. ખેડૂતો અને ભાગિયાઓની આખા વર્ષની મહેનત આગમાં સ્વાહા થઈ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, નવા વેગડવાવ ગામના જલવાડી વિસ્તારમાં ચંદુભાઈ શામજીભાઈ, ખેંગારભાઈ શામજીભાઈ અને શંકરભાઈ શામજીભાઈની વાડી આવેલી છે. આ વાડી પાસેથી પસાર થતા PGVCLના થ્રી ફેઝ કનેક્શનના ફીડરમાંથી સ્પાર્કિંગ થતાં ખેતરમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તૈયાર થયેલો પાક બળીને ખાખ થઇ ગયો હતો.ગામના આગેવાન રાજેશભાઈ અંબારામભાઈ સોનગરાએ જણાવ્યું હતું કે, આ ફીડરમાં વારંવાર સ્પાર્કિંગ થતું હોવા અંગે હળવદના ડેપ્યુટી એન્જિનિયરને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. જો ખેડૂતો વીજ બિલ ભરવામાં પાંચ દિવસનો વિલંબ કરે તો તાત્કાલિક કનેક્શન કાપી નાખવામાં આવે છે, પરંતુ રજૂઆતો છતાં કંપનીએ અહીં ગંભીર બેદરકારી દાખવી છે. જેના કારણે ખેડૂતોને અંદાજે 6 થી 7 લાખ રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.આ વાડીમાં ખેંગારભાઈ શામજીભાઈની જમીનમાં મજૂરી ભાગે (ભાગિયા તરીકે) 10 વીઘા જમીન વાવતા ઘનશ્યામભાઈ અને તેમના પરિવારના કંચનબેન સંજયભાઈએ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, વીઘે 50 મણ લેખે 10 વીઘાના 500 મણ ઘઉં આગમાં ભસ્મીભૂત થઈ ગયા છે. ચોમાસુ પાક પણ નિષ્ફળ ગયો હતો અને હવે શિયાળુ પાક બળી જતા તેમની રોજગારી છીનવાઈ ગઈ છે અને અઢી લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે. હવે બાળકોનું ભરણપોષણ કઈ રીતે કરવું અને માથે રહેલું દેવું કઈ રીતે ચૂકવવું તે એક મોટો પ્રશ્ન બની ગયો છે.આ ઘટનાને પગલે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ PGVCL ના એમડી અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક સ્થળ પર આવીને પંચનામું કરવામાં આવે અને નુકસાનીનું યોગ્ય વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે, જેથી ખેડૂતો અને મજૂર પરિવારોનું ગુજરાન ચાલી શકે.#Morbi #Halvad #NavaVegadva #Farmers #Agriculture #FireIncident #PGVCL #ElectricityBoard #MorbiUpdate #GujaratNews #FarmerLoss