મોરબી એલસીબીએ ટંકારાના વિરવાવ ગામે વાડીમાંથી રૂ.12 લાખના દારૂ અને ઇનોવા કાર સહિત કુલ રૂ.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો ટંકારા : થર્ટી ફસ્ટની રંગીન ઉજવણી કરવા માટે બુટલેગરો સક્રિય થયા છે.ત્યારે થર્ટી ફાસ્ટની ઉજવણીમાં દારૂની બદી નાબૂદ કરવા પોલીસે બુટલેગરો પર ધોસ વધારી દીધી છે જેમાં મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે ટંકારાના વિરવાવ ગામે આવેલી વાડીમાંથી થર્ટી ફાસ્ટની ઉજવણી માટે મંગાવેલો રૂ.12 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપી લીધો છે.જોકે બુટલેગર પોલીસને ઝપટે ચડ્યો ન હતો.આથી પોલીસે રૂ.12 લાખના દારૂ અને ઇનોવા કાર સહિત કુલ રૂ.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવની મોરબી એલસીબી ટીમ પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ આગામી 31 ડીસેમ્બરની ઉજવણી દરમિયાન દારૂની બદી કડક હાથે નાબૂદ કરવાની મોરબી એલસીબી ટીમને સૂચના આપી હતી.આ સુચનાને પગલે એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ભગીરથસિંહ ઝાલા ,પૃથ્વીરાજસિંહ જાડેજાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે,ટંકારા તાલુકાના વિરવાવ ગામના રવિરાજસિંહ જગતસિંહ જાડેજા તથા ભુપતભાઇ દેવજીભાઈ કુંભારવાડીયા રહે ફડસર મોરબી એમ બન્ને શખ્સો રવિરાજસિંહ જાડેજાની ટંકારના વિરવાવ ગામથી મિતાણા જવાના રસ્તે આવેલી વાડીની ઓરડીમાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતાર્યો છે અને 31 ડીસેમ્બરની ઉજવણી માટે આ ઈંગ્લીશ દારૂનો જથ્થો ગાડીઓમાં ભરીને હેરાફરી કરવાની વેતરણમાં છે.આ પ્રકારની ચોકસસ બાતમી મળતા એલસીબીનો સ્ટાફ ટંકારના વિરવાવ ગામે આરોપીની વાડીમાં ત્રાટક્યો હતો.પોલીસે આ વાડીમાં દારૂની રેડ કરતા વાડીની ઓરડીમાં તથા બહાર પાર્ક કરેલી ઇનોવા કારમાંથી 2988 નંગ ઈંગ્લીશ દારૂની બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો .જોકે દારૂની રેડ દરમિયાન બન્ને આરોપીઓ પોલીસના હાથમાં આવ્યા ન હતા.આથી હાલ એલસીબીએ રૂ.12 લાખનો ઈંગ્લીશ દારૂ તથા ઇનોવા કાર મળીને કુલ રૂ.17 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બન્ને આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે ઈંગ્લીશ દારૂની હેરાફરીનો ગુનો નોંધાવી બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.જોકે એલસોબીને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે મંગાવેલો ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી લેવાની સફળતા મળી છે.જેથી બુટલેગરોમાં ફફળાટ વ્યાપી ગયો છે.