શક્ત સનાળા, રવાપર, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ, જવાહર, ત્રાજપર, માળીયા વનાળીયા, મહેન્દ્રનગર, ઈન્દિરાનગર, માધાપર/ વજેપર ઓજી હવે ગ્રામ પંચાયત નહિ રહેમોરબી : મોરબીને મહાનગરપાલિકાને કેબિનેટની લીલીઝંડી આપ્યા બાદ સરકારે મોરબી મહાનગરપાલિકામાં 12 ગ્રામ પંચાયતોને સમાવવાનું પણ નક્કી કરી લીધું છે. જેથી આ ગ્રામ પંચાયતોનો વિસ્તાર મહાપાલિકામાં સમાઈ જશે અને ત્યાં ગ્રામ પંચાયત હવે નહિ રહે.રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/ વઢવાણ, મોરબી, પોરબંદર/ છાયા અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જેને સરકારે આજે મંજૂરી પણ આપી દીધી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતાં પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ – ૦૮ મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ ૨૦૦૨માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ ૨૦૧૦માં રચના કરવામાં આવેલી છે.ત્યારબાદ લગભગ ૧૪ વર્ષ બાદ આ નવી ૯ મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે. આના પરિણામે રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતા બે ગણી એટલે કે ૧૭ મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે. અને નગરપાલિકાઓની સંખ્યા ૧૪૯ થશે.મોરબી નગરપાલિકા તેમજ શક્ત સનાળા, રવાપર, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ, જવાહર, ત્રાજપર, માળીયા વનાળીયા, મહેન્દ્રનગર, ઈન્દિરાનગર, માધાપર/ વજેપર ઓજી ગ્રામ પંચાયતને મહાનગરપાલિકામાં સમાવી લેવામાં આવશે.પ્રવક્તા મંત્રીએ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો મળતા જે ફાયદાઓ લોકોને મળશે તેની વિગતો આપતાં ઉમેર્યું કે, નગરપાલિકા/ગ્રામપંચાયતો મહાનગરપાલિકામાં રૂપાંતરિત થવાથી ત્વરિત, કાર્યક્ષમ અને પારદર્શી પ્રક્રિયા સાથે વહીવટ વધુ સુદ્રઢ થશે. આ ઉપરાંત રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટલાઇટ, બાગ બગીચા, કોમ્યુનીટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી થશે. મહાનગરપાલિકામાં જે ગ્રામ્ય વિસ્તારો ભેળવવામાં આવે છે તેના નાગરિકોને તમામ નાગરિક સુવિધાઓ સમયસર અને સુઆયોજિત મળી રહે તે માટે રાજ્ય સરકાર જરૂરી તમામ નાણાંકીય તેમજ વહીવટી સપોર્ટ પૂરો પાડશે અને આ વિસ્તારના લોકોની સુવિધાઓમાં અનેકગણો વધારો થાય તે સુનિશ્ચિત કરવાની રાજ્ય સરકારની નેમ છે. પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મહાનગરપાલિકાઓમાં શહેરી આયોજન (અર્બન પ્લાનિંગ) ટી.પી. સ્કીમ આધારિત અને ઓર્ગેનાઇઝ્ડ રીતે થતું હોવાથી ઉપલબ્ધ જમીનનો મહત્તમ ઉપયોગ થાય છે. મહાનગરપાલિકાઓમાં સુનિયોજિત રોડ રસ્તા, કોમર્શીયલ, શૈક્ષણિક, કોમ્યુનિટી, રમતગમતનાં મેદાન જેવા હેતુ માટે જમીન ફાળવવામા આવશે. મહાનગરપાલિકા બનવાથી તેમાં વસતા લોકો ઉપરાંત નજીકના વિસ્તારોમાં વસતા લોકો માટે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે. આ વિસ્તારોમાં એક જ કેન્દ્ર પરથી વધુ વ્યાપક પ્રમાણમાં સેવાઓ પૂરી પાડી શકાશે અને નાગરિકોનું જીવનધોરણ ઊંચુ આવશે. એટલું જ નહિ, સમયાંતરે નવી મહાનગરપાલિકાઓમાં બી.આર.ટી.એસ., મેટ્રો રેલ, રિવરફ્રન્ટ જેવા વિશેષ પ્રોજેક્ટ્સ અમલમાં આવશે, તેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે અને રાજ્ય સરકારની “સૌનો સાથ, સૌનો વિકાસ”ની નેમ સાથે ઇઝ ઓફ લિવિંગને નવું પીઠબળ મળશે. તેમ જણાવાયુ છે.