હળવદ : આજે તારીખ 6 જાન્યુઆરીના રોજ હળવદ મધ્યે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે હળવદ સોની સમાજ દ્વારા સ્વૈચ્છિક રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 111 બ્લડની બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ કેમ્પમાં સર્વ જ્ઞાતિના રક્તદાતાઓએ ઉદાર હૃદયે રક્તદાન કર્યું હતું.રક્તદાન કરનાર રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ આપી સન્માન પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું સાથે ચા - કોફી - નાસ્તા અને અમૂલ ફ્લેવર દૂધ ની બોટલની પણ વ્યવસ્થા આયોજકો તરફથી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ કેમ્પ માં એકત્રિત થયેલ બ્લડ ની બોટલ મોરબી ખાતે સંસ્કાર બ્લડ બેંકમાં થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે અને લોહીની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ કાર્યક્રમમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ, તાલુકા સંઘચાલક દિલીપભાઈ સોની, બિપીનભાઈ દવે, ગોવિંદભાઈ ભરવાડ, રમેશભાઈ પટેલ તથા વેપારી મહામંડળ પ્રમુખ વિનુભાઈ પટેલ તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઘનશ્યામભાઈ દવે, રોટરી ક્લબના પ્રમુખ રોહિતભાઈ ઠક્કર સહિત સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ કેમ્પમાં નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા હળવદ સોની સમાજના સેવાભાવી યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી.