મોરબી: મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે આજરોજ તા. 25 ડિસેમ્બર, ગુરુવારના રોજ નાતાલના દિવસે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળા દ્વારા આ વખતે દસમો તુલસી દિવસ ઉજવવામાં આવ્યો હતો. 2015 થી આ ઉજવણી કરવામાં આવી રહી છે અને છેલ્લા નવ વર્ષથી આ કાર્યક્રમને સમાજમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.આ ઉજવણીમાં સવારથી જ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ સ્ટેજ કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય આકર્ષણોમાં તુલસીના રોપા અને માંજરનું વિતરણ, મહા યજ્ઞ, સમાજ શ્રેષ્ઠીઓ/સંસ્થાઓનું સન્માન અને માહિતીપ્રદ પ્રદર્શનીનો સમાવેશ થતો હતો.વિદ્યાર્થીઓ અને શાળા દ્વારા તુલસીના વૈજ્ઞાનિક મહત્વ અંગેની કૃતિઓ તેમજ કંઠસ્થીકરણ પ્રકલ્પની 5 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આચાર્ય (શિક્ષકો) દ્વારા શિક્ષણ અને સમાજ જાગૃતિ માટેની 3 કૃતિઓ પણ રજૂ કરાઈ હતી. આ ઉપરાંત તુલસીના ઉપયોગથી બનતી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા તુલસીમાંથી બનતી ઢોકળા, ભેળ જેવી ફૂડ આઇટમોના ફૂડ સ્ટોલ અને વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ તુલસીના સાબુ, શેમ્પૂ સહિતની ઔષધીય વસ્તુઓના સ્ટોલ્સ હતા. વિવિધ ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓનું રાહત દરે વેચાણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને વાલીઓ સહિત જાહેર જનતાને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. મેઇન રોડ બંધ હોવા છતાં, લગભગ 6 થી 7 હજાર લોકોએ આ તુલસી દિવસની મુલાકાત લીધી હતી.