મોરબી : વાંકાનેરની લુણસરિયા ફાટક પાસે 108ની ટીમે સગર્ભા મહિલાની રસ્તામાં જ સફળ ડિલિવરી કરાવી હતી. માતા અને બાળક બન્ને હાલ તંદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ છોટા ઉદેપુર અને હાલ વાંકાનેરના સરધાર વાડી વિસ્તારમાં રહેતા મિતલબેન મહેન્દ્રભાઈ નાયક ઉ.વ.35 સગર્ભા હોય ઓચિંતો દુઃખાવો ઉપડતા તેઓએ 108નો સંપર્ક કર્યો હતો. જેથી વાંકાનેર જકાતનાકા હાઈવેની 108 ટીમના ઇએમટી હિતેશભાઈ ઝાપડા અને પાયલોટ રવિભાઈ દેવમુરારી ઘટના સ્થળે જઈ પેશન્ટને લઈ હોસ્પિટલ જવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં જ ડિલિવરીના લક્ષણો જોવા મળ્યા હતા. બાળકને ગળા ફરતે કોડ વિટળાઇ ગયો હતો. જેથી 108ની ટીમે લુણસરિયા ફાટક પાસે રસ્તામાં જ સફળ ડિલિવરી કરાવી હતી. હાલ માતા અને બાળક બન્ને તંદુરસ્ત હોય હોસ્પિટલમાં દાખલ હોવાનું જણાવાયુ છે.