કેમ્પના આયોજન થકી બ્લડ બેંકમાં લોહીની અછત નિવારવામાં મળી સફળતા હળવદ : હળવદ મધ્યે આવેલ મહાદેવનગર ખાતે આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે માધાપરા - ખારીવાડી - મહાદેવનગર સમસ્ત સતવારા સમાજ દ્વારા સી.યુ.શાહ મેડિકલ કોલેજ બ્લડ બેંક સુરેન્દ્રનગરના સહયોગથી સ્વૈચ્છિક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પ થકી ૧૦૫ બ્લડની બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૫ થી વધુ બહેનો અને ૬૦ વર્ષ થી ઉપરની ઉંમરના ૩ વ્યક્તિ સહિત કુલ ૧૦૫ સેવાવ્રતી લોકો એ સ્વૈચ્છિક રકતદાન કરી નિઃસ્વાર્થ સેવા થકી માનવતા મહેકાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં દરેક બ્લડ બેંક માં બ્લડ ની ભારે અછત વર્તાઈ રહી છે જેના કારણે લોહીની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એમાં પણ થેલેસેમિયા રોગથી પીડિત બાળકો ને ૭ અથવા ૧૫ દિવસે ફરજિયાત બ્લડ ચડાવવું પડે છે, જો બ્લડ ન મળે તો તેમના જીવન પર ખતરો તોળાય છે. ત્યારે આવા બાળકો માટે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માં દર બુધવારે થેલેસેમિયા ના બાળકો ને નિઃશુલ્ક બ્લડ ની બોટલ ઉપલબ્ધ કરવામાં આવે છે, સાથે તેમના માટે નાસ્તા અને શુધ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા નિઃશુલ્ક પણે કરવામાં આવે છે.વર્તમાન સમયમાં બ્લડની અછત હોવાથી આ બુધવારે દર્દીઓને બ્લડ માટે પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડે તેવી કટોકટી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અંગે સુરેન્દ્રનગરના સર્વોદય કાર્યકર્તા ગોવિંદભાઈ ભરવાડે હળવદના એક સામાજિક કાર્યકરને જાણ કરતા તેઓએ બ્લડ કેમ્પ કરવા માટે વોટ્સેપ સ્ટેટ્સમાં જાહેર વિનંતી કરી હતી. આ સ્ટેટ્સ જોઈને મહાદેવનગરના રસિકભાઈ ચાવડા એ પોતાના વિસ્તારના યુવાનોને આ બ્લડ કેમ્પ કરવા અંગે ચર્ચા કરી હતી. વિસ્તારના યુવાનોએ આ ઉમદા વિચારને વધાવી લઈ અને એક જ દિવસની તૈયારીમાં સ્વૈચ્છિક રકતદાન કેમ્પ નું આયોજન કર્યું હતું. ખારીવાડી - માધાપરા અને મહાદેવનગર સમસ્ત સતવારા સમાજ ના યુવાનો કેમ્પ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી તેના ફળ સ્વરૂપે એક જ દિવસમાં ૧૦૫ બ્લડની બોટલ એકત્ર થઇ જેથી બુધવારે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો સહિતના દર્દીઓની લોહીની તાતી જરૂરિયાત નિવારી શકાઈ. હવે દર્દીઓને લોહી માટે કોઈ મુશ્કેલી નહિ પડે અને સરળતાથી લોહી મળી રહેશે.