હળવદ : રામદેવપીર જન્મોત્સવ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 73માં જન્મદિવસે હળવદ ખાતે આયોજિત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં 102 બ્લડની બોટલ એકત્ર થઇ હતી.હળવદમા રામદેવપીર વાડી ખાતે આઇ શ્રી ખોડીયાર રામદેવ રામામંડળ ગોરી દરવાજા, યુવાભાજપ, બજરંગદળ, પાટિયા ગ્રુપ અને ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રામદેવપીર જન્મોત્સવ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પના દાતા તરીકે સ્વ.પુનર્વસુભાઈ એચ. રાવલના પરિવારજનો રહ્યા હતા. આ કેમ્પમાં હળવદના તમામ સમાજ અને તમામ વર્ગના લોકો સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત બંને પગની ખોટ ધરાવતા દિવ્યાંગ જયેશભાઈ રંગાડીયાએ પણ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. જે આજના યુવાનો માટે પ્રેરણારૂપ કહી શકાય. સાથે મોટી સંખ્યામાં બહેનોએ પણ રક્તદાન કર્યું હતું અને કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પમાં જે બ્લડ એકત્ર થયેલ તે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ બ્લડ બેંક ખાતે લોહીની જરૂર છે તેવા દર્દી નારાયણના ઉપયોગમાં લેવામાં આવશે. આ રક્તદાન કેમ્પમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પને સફળ બનાવવા આઇ શ્રી ખોડિયાર રામદેવ રામામંડળ, યુવા ભાજપ, બજરંગદળ, પાટિયા ગ્રુપ એવમ ફ્રેન્ડ્સ યુવા ગ્રુપના સેવાભાવી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.