સેવાભાવી સંસ્થાને ટોકનભાવે મેળાનું ગ્રાઉન્ડ આપવાને બદલે ઉંચા ભાવની હરરાજી કરતા આયોજકો બેફામ બન્યા : 120માં મળતા પ્રસાદીના ભજીયા 300માં કિલો વેચાયા વાંકાનેર : વાંકાનેરમાં યોજાતો પરંપરાગત લોક મેળો આ વર્ષે લૂંટમેળો બન્યો હોવાનો ગંભીર આક્ષેપ વાંકાનેરના રાજકીય અગ્રણી અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ જીતુભાઇ સોમાણીએ કરી મેળાના આયોજકોએ પ્રજા પાસેથી ફજત ફાળકાના રૂપિયા 100 - 100, આઈસ્ક્રીમના 80 અને નાગા બાવા જગ્યાની પ્રસાદી ગણાતા ભજીયાના 120ના બદલે લોકો પાસેથી રૂપિયા 300 - 300 પડાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. વાંકાનેરમાં સતાની સાઠમારીમાં ભાજપના જ બે નેતાઓ સામસામે આવી ગયા છે અને લોક ચુકાદાને કચડી નાખી પાલિકાની બોડીને સસ્પેન્ડ કરી નાખી છે ત્યારે વહીવટદાર રાજમાં આ વર્ષે પ્રથમ વખત જ લોકમેળાનું મેદાન ટોકન દરે ભાડે આપવાને બદલે ઉંચા ભાવે હરરાજી કરવામાં આવ્યા બાદ લોકમેળો લૂંટ મેળો બન્યો હોવાનું બહાર આવ્યું છે. લોકમેળો લૂંટ મેળો બનવા અંગે વાંકાનેરના ભાજપ અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીતુ સોમાણીએ જણાવ્યું હતું કે, કોરોના જેવા કપરાકાળના ઘા માંડ પ્રજાને રૂઝાયા છે ત્યાં વાંકાનેરમાં યોજાયેલ લોકમેળામાં ફજત ફાળકામા લોકો પાસેથી સો-સો રૂપિયા લેવાય રહ્યા છે આમાં ગરીબ પ્રજા લોકમેળાનો આનંદ કઈ રીતે માણી શકે ? વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, રાજકોટ-મોરબી જેવા મોટા શહેરોમાં યોજાતા મેળામાં પણ ફજત ફાળકાના આટલા બધા ભાવ નથી ત્યાં પણ તંત્ર દ્વારા ભાવ બંધણુ કરાયું છે ત્યારે વાંકાનેરના મેળામાં થતી લૂંટ સામે તંત્ર કેમ મૌન છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે..? તેમને ઉમેર્યું કે, ભૂતકાળમાં ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા મેળાનું આયોજન થતું ત્યારે સમિતિ દ્વારા પ્રજા લૂંટાઈ નહિ જેનું ધ્યાન રાખી ભાવ બંધણુ કરવામાં આવતું. ઉપરાંત દસમના મેળામાં રાજગુરૂ શ્રી નગબાવાજી પ્રસાદ રૂપી ભજીયા-જલેબીના 120ને બદલે કિલોના રૂપિયા 300 લેવાય રહ્યા છે. આ સંજોગોમાં લોકોમાં હાલ એ સવાલ ઉદભવે છે કે લોકમેળાના આયોજકોમાં માણસાઈ છે કે નહીં..? ભૂતકાળમાં પણ વાંકાનેર શહેરમાં મેળા યોજાઈ ગયા છે પરંતુ આટલા ભાવ કોઈ દિવસ પ્રજાએ નહીં ચૂકવ્યા હોય. ત્યારે જો વાંકાનેરમાં કિરણ સીરામીકમાં યોજાનાર લોકમેળાની મંજૂરી મળી હોત તો પરિસ્થિતિ કઈક વિપરીત હોત કેમ કે કોરોનાના જેવા કપરા સમય બાદ મંદીના માહોલમાં પ્રજા અને વેપારીને હાલાકી ન પડે તેને ધ્યાનમાં રાખીને વેપારી મિત્રોને વેપાર અર્થે વિનામૂલ્યે પ્લોટ તેમજ ફજત ફાળકા માટેના 30 રૂપિયા તેમજ રાજગુરૂ શ્રી નગબાવાજીના પ્રસાદ રૂપી ભજીયા-જલેબીના કી.રૂ.120 ભાવ બંધણુ કરવાનુ આયોજન કરાયુ હતું જેથી કરીને વાંકાનેર શહેર-તાલુકામાં વસતા ગરીબથી ગરીબ વ્યક્તિ પણ આ મેળાનો આનંદ માણી શકે પરંતુ દુર્ભાગ્યવશ તંત્ર દ્વારા કિરણ સીરામીકમાં યોજાનાર મેળાની મંજૂરી ન આપવામાં આવી ત્યારે વાંકાનેરમાં આવી પરિસ્થિતિ નિર્માણ પામી હોવાનું અને લોકો લૂંટાઈ રહ્યા હોવાનું જીતું સોમાણીએ અંતમાં જણાવ્યું હતું.