મોરબીને પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલી પાલિકા દ્વારા મહત્વના પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી માટે સરકારમાં મુક્યા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે સંકલન સમિતિની બેઠક મળી મોરબી : મોરબી નગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ વચ્ચેના પ્રશ્નો તેમજ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આજે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજા, પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઇ, ડે. કલેકટર ડી.એ.ઝાલા, રિઝનલ કમિશનર ધીમત વ્યાસ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહીને લોકોના મહત્વના પ્રોજેકટ ઉપર ચર્ચા કરી તેના કામનું પ્રેઝન્ટેશન કરાયું હતું. રિઝનલ કમિશનરે નગરપાલિકામાં મહત્વના પ્રોજેકટને સૈદ્ધાંતિક મંજૂરી માટે મોકલ્યા છે. જેમાં મચ્છુ નદી ઉપર મહાપ્રભુજીની બેઠક અને સામે મચ્છુ માતાજીના મંદિરની સાઈડ પર રૂ.25 કરોડના ખર્ચે બનનાર રિવર ફ્રન્ટનું પ્રેઝન્ટેશન કરીને પ્રોજેકટને સૈદ્ધાંતિક મંજૂરી માટે મોકલ્યો છે. પંચાસર ચોકડીથી બજરંગ સર્કલ સુધીના પાંચ કિમીના કેનાલ રોડને બંધ કરી ત્યાં પાર્કિગની વ્યવસ્થા, બગીચો, મ્યુઝિકલ ફાઉન્ડેશન સહિતના 27 કરોડના ખર્ચે બનનારા પ્રોજેકટને પણ સૈદ્ધાંતિક મંજૂરી માટે મોકલ્યા છે. આ ઉપરાંત ત્યાં રોડની બન્ને સાઈડ ઉપર સાયકલ ટ્રેકનું કામ શરૂ કરાયું છે.તેમજ નગરપાલિકાનો મહત્વનો ચાર મેગાવોટનો સૌર ઊર્જા પ્લાન્ટ પાલિકાની પચાસર રોડ પર નંદીઘરની બાજુમાં આવેલ 40 હજાર ચોરસ મીટરની જમીન પર રૂ. 29 કરોડના ખર્ચે નિર્માણ થવાનો હોય તે પ્લાન્ટ પણ પણ સૈદ્ધાંતિક મંજુરી માટે મોકલાયો છે. આનાથી વર્ષે 3 કરોડ રેવન્યુ જનરેટ થશે. 25 વર્ષમાં 80 કરોડની રેવન્યુ થશે. તેમજ પાલિકાનું 20 લાખ જેવું સ્ટ્રીટલાઈટનું બિલ પણ ફ્રી થઈ જશે. છ હજાર બલ્બ પણ ખરીદવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ ઉપરાંત વાડી વિસ્તારમાં રોડ, પાણી સહિતના કુલ 100 કરોડના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી માટે મોકલ્યા છે. રાજ્યમંત્રીએ આ તકે પાલિકાના તમામ સભ્યોને શહેરને પેરિશ તેમજ સ્માર્ટ સીટી બનાવવા માટે એકજુટ થવાની ટકોર કરી હતી. તેમજ હાલ ચાલી રહેલી પ્રિમોન્સૂન કામગીરીમાં ચીફ ઓફિસરે લોકોને પણ જાગૃત થવા સૂચન કર્યું હતું.તેમજ સામાકાંઠે સ્પોર્ટ્સ કોમોલેક્સ, મોર્ડન ફાયર સ્ટેશન વિશે પણ ચર્ચા કરાઈ હતી. રિઝનલ કમિશનરે શહેરમાં પ્રદુષણની સમસ્યા નિવારવા ટાવર મુકવા તેમજ નવી16 સીટી બસ ખરીદવા માટે ઓર્ડર પણ એજન્સીને આપવામાં આવ્યો હતો.જેમાં સસ્તું ભાડું અને દર પંદર મિનિટે લોકોને બસ મળી રહે તેવી વ્યવસ્થા કરાશે. આમ તો મોરબી નગર પાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવામાં પણ નિષ્ફળ રહી છે. ત્યારે વર્ષોથી માત્ર જેની વાતો થાય છે તેવા રિવરફ્રન્ટ અને અન્ય પ્રોજેકટની આજે ફરી ચર્ચાઓ થઈ હતી. ત્યારે આ પ્રોજેકટ ક્યારે સાકાર થાય છે તે જોવુ રહ્યું.