મોરબી : મોરબીના જાગૃત નાગરિક પરેશ પારિયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શહેરના તમામ વોર્ડ અને ગ્રામ્ય વિસ્તારમાં ફરજિયાત ૧૦% લોકોના કોરોના રિપોર્ટ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવેલ છે કે કોરોના વાયરસ વિશ્વની સાથેસાથ ભારતભરને પોતાના સંકજમાં લઈ રહ્યું છે ત્યારે જેમ જેમ કોરોના સંક્રમિત લોકો વધતાં જાય છે તેમ તેમ તેના લક્ષણોમાં પણ ફેરફાર થઇ રહ્યો છે. ગુજરાત રાજયમાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ નર્મદા જિલ્લા ખાતે માસ રિપોર્ટિંગ કરતાં અચાનક કોરોના પોજિટિવ કેસો સામે આવ્યા આ જોતાં ખરેખર ગુજરાત સરકાર દ્વારા પ્રજાહિત માટે શહેરી વિસ્તારના તમામ વોર્ડમાં રહેવાશીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વસતા રહેવાશીઓની સંખ્યામાથી ૧૦% લોકોના અચૂક રિપોર્ટ કરવા જોઈએ. જો આમ કરવામાં આવશે તો કોરોનાના કેસ જલ્દીથી સામે આવશે. જેથી, તેની સારવાર શરૂ કરી દેવાથી સંક્રમણ ઘટાડી શકાશે. જે હાલ ખુબ જ જરૂરી છે. ગુજરાતના એક જાગૃત નાગરિક તરીકે પરેશભાઈ પારિયા દ્વારા વિનંતી કરાઈ છે કે પ્રજાહિત માટે તાત્કાલિક દરેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોમાથી ૧૦% ના તાત્કાલિક કોરોના રિપોર્ટ કરવામાં આવે.