શહેરની શેરી-ગલીઓમાં અંધારા ઉલેચવા 2000 લાઇટોની ખરીદી : મહારાણા પ્રતાપ સર્કલ, શાકમાર્કેટ, નહેરૂગેઈટ સહિતના વિસ્તારમાં હાઇમાસ્ટ લાઈટો શરૂ મોરબી : મોરબી શહેરમાં ઉબડ-ખાબડ રોડ-રસ્તાની સાથે સાથે શહેરના મુખ્ય રસ્તાઓ અને આંતરિક શેરી-ગલીઓમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતા મહાનગર પાલિકા દ્વારા 2000 લાઈટની ખરીદી માટે ઓર્ડર આપતા હાલમાં 800 જેટલી લાઈટો આવતા શહેરના મુખ્ય અને મહત્વના ગણાતા 10 ચોક અને અન્ય શેરી ગલીઓમાં અજવાળા પથરાયા છે. આગામી દિવસોમાં શહેરના તમામ વિસ્તારમાં બંધ સ્ટ્રીટલાઇટના પ્રશ્ન ઉકેલવાની અણીએ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.મોરબી શહેરમાં નગરપાલિકા સમયમાં લાઈટ ખરીદીના કૌભાંડ બાદ અનેક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ થઇ ગઈ હોવાનું તેમજ ઓપરેશન સિંદૂર બાદ બ્લેકઆઉટ દરમિયાન અનેક વિસ્તારમાં દિવસે લાઈટો ચાલુ રહેતી હોવાનું અને રાત્રીના બંધ રહેતી હોવાની ફરિયાદ બાદ તાજેતરમાં જન આંદોલન સમયે પણ બંધ સ્ટ્રીટલાઇટનો પ્રશ્ન જોરશોરથી ઉઠતા મહાનગર પાલિકા દ્વારા તાબડતોબ 2000 લાઇટોની ખરીદી માટે ઓર્ડર આપતા હાલમાં 800 જેટલી લાઈટો આવી જતા શહેરભરમાં અજવાળા પથરાયા છે.મહાનગર પાલિકાના લાઈટ વિભાગના નાયબ ઈજનેર હિતેશ ડાભીએ જણાવ્યું હતું કે, હાલમાં 800 જેટલી લાઇટોનો જથ્થો આવી જતા શહેરના વીસીપરા, લાતીપ્લોટ, રવાપર રોડ, સો ઓરડી, લીલાપર રોડ, પંચાસર રોડ સહિતના વિવિધ વિસ્તારમાં 370 લાઈટો ફિટ કરવામાં આવી છે તેમજ સો ઓરડી ચોક, મહારાણા પ્રતાપ સર્કલ, નટરાજ ફાટક, શંકર આશ્રમ, વિસી ફાટક, નહેરૂગેઈટ, શાકમાર્કેટ ચોક, ગાંધી ચોક, ભક્તિનગર સર્કલ, માં ગરબી ચોક સહિતના ચોકમાં હાઇમાસ્ટ ટાવરની લાઈટો પણ ચાલુ થઈ જતા રોશનીના અજવાળા પથરાયા છે,આગામી દિવસોમાં શહેરના બાકી રહેતા મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં પણ લાઈટો બદલી નાખવામાં આવશે તેમ તેમને જણાવ્યું હતું.