શ્રી પાટીદાર નવરાત્રીની ટીમના સેવાકીય અભિગમની ચોમેરથી પ્રશંસામોરબી : મોરબીમાં યોજાતી શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવની ટીમે નવરાત્રીમાં રાસ ગરબાની સાથે સાથે સેવાકીય અભિગમ અપનાવીને અન્યને પણ પ્રેરણા પૂરી પાડી છે. નવરાત્રીમાં એકત્ર થયેલ રકમથી શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવની ટીમે મોરબીની 2 સેવાકીય સંસ્થાને 10.62 લાખની આર્થિક સહાય કરી છે.મોરબીના રવાપર ગામ પાસે આવેલા એસપી રોડ પર શ્રી પાટીદાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજકોની ટીમે પહેલાથી જ જાહેર કર્યું હતું કે, આ નવરાત્રી મહોત્સવની કમાણી માટે નહિ પરંતુ સેવાના ભાવ સાથે કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા નવ દિવસમાં જે ખેલૈયાઓ રમવા માટે આવ્યા તેમજ સ્પોન્સરો તરફથી જે પણ આર્થિક સહયોગ મળ્યો તેના થકી જે આવક થઈ હતી તેમાંથી 8.51 લાખ રૂપિયા કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબીને આપવામાં આવ્યા છે અને 2.11 લાખ રૂપિયા રવાપર ગામ પાસે આવેલી માધવ ગૌશાળામાં આપવામાં આવ્યા છે. આમ શ્રી પાટીદાર નવરાત્રી મહોત્સવની ટીમે બે સેવાકીય સંસ્થાઓને 10.62 લાખની આર્થિક મદદ કરી છે અને આ આયોજકો દ્વારા ગરબે રમવા માટે આવેલા ખેલૈયાઓ માટે જે વ્યવસ્થા કરી હતી તેની ખેલૈયાઓ દ્વારા ભારોભાર પ્રસંશા કરવામાં આવી છે.