સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે 3 શરણાર્થીઓને નાગરિકતા સર્ટિફિકેટ અપાયા મોરબી : નાગરિકતા સંશોધન બીલ બન્ને સદનોમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિની સહી થઈ ગયાથી જ નાગરિકતા કાયદો અસ્તિત્વમાં આવી ગયો છે. આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલા જે જે શરણાર્થીઓ ભારતના 3 પાડોશી દેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ધર્મને આધારે પ્રતાડિત થઈને ભારતમાં શરણે આવ્યા છે તેઓ અત્યાર સુધી કાયદેસરની ભારતીય નગરિકતાના હક્કથી વંચિત હતા. આથી તેઓને ભારતના મૂળ નાગરિકને મળતા હક્કો પ્રાપ્ત થઈ શકતા ન હતા. આ કાયદો લાગુ થવાથી આવા લાખો શરણાર્થીઓને ભારત સરકાર હવે કાયદેસરના દસ્તાવેજો આપીને તેઓને ભારતના નાગરિક બનાવી રહી છે. સમગ્ર દેશમાં સહુ પ્રથમ ગુજરાતમાં આવી કાયદેસરની નાગરિકતા આપવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત આજે મોરબીમાં વસતા આશરે 1 હજાર શરણાર્થીઓને ભારતીય નાગરિક બનવા માટે જરૂરી દસ્તાવેજ રૂપી સર્ટિફિકેટ આપવાનો પ્રારંભ થયો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતના થરપાકર જિલ્લાના મીઠી તાલુકાના આશરે 10 પરિવારો મોરબી તાલુકાના વાવડી ગામે આવીને વસ્યા છે. 2007ની સાલમાં પાકિસ્તાનથી આવીને વસેલા આ પરિવારોના 3 સદસ્યોને આજે સાંસદ મોહનભાઇ કુંડારિયાના હસ્તે ભારતીય નાગરિક તરીકે પ્રસ્થાપિત થવાના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ત્રણ શરણાર્થીઓને ટોકન સ્વરૂપે રેન્ડમલી પસંદ કરવામાં આવ્યા હતા. હવે ટૂંક સમયમાં મોરબી જિલ્લામાં વસતા આશરે 1000 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની પ્રક્રિયા વેગવાન બનાવવામાં આવશે એવું મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું. નાગરિકતા મેળવનાર ત્રણ પૈકી બે યુવકોએ પાકિસ્તાનમાં રહેતા અલ્પસંખ્યક હિંદુઓને પડી રહેલી મુશ્કેલીઓનો ચિતાર વર્ણવતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિંદુઓને ધાર્મિકવિધિ કરવા ગીતા, મહાભારત વાંચવા તેમજ અન્ય હિન્દૂ તહેવારો ઉજવવા પર વણકહ્યો પ્રતિબંધ હોય તેવું વાતાવરણ છે. મહિલાઓના સન્માન, સુરક્ષા અંગે હમેશા ચિંતા ઉપજાવે તેવો ભયનો માહોલ છે, બાળકો, યુવાનોના શિક્ષણ અંગે પારાવાર પ્રશ્નો છે, ફરજીયાત મુસ્લિમ શિક્ષણ લેવું પડે છે. લઘુમતીમાં રહેલા હિંદુઓને પાકિસ્તાનમાં નોકરી અને ધંધા રોજગારમાં હદ વિનાનો ભેદભાવ જોવા મળે છે. આવા વાતાવરણમાં ત્યાં અમારું કોઈ ભવિષ્ય ન દેખાતા 2007માં ઘણા પરિવારો પાકિસ્તાનથી નાસી છૂટીને ભારતમાં આશરો લેવા આવી ગયા હતા. જો કે ભારતમાં અમો અત્યાર સુધી આશ્રિત હતા. અમોને કાયદેસરની નાગરિકતા કોઈ સ્પષ્ટ કાયદાને અભાવે મળી ન હતી. પણ હવે નાગરિકતા કાયદો લાગુ થવાથી અમો ભારતીય કહેવાઈશું. જેનું અમોને ગૌરવ છે. મૂળ ભારતીયોને મળતા તમામ લાભોથી અમો આજ સુધી વંચિત હતા જે લાભો અમોને હવે મળશે અને આશ્રિત તરીકેનું અમારા પરનું લેબલ દૂર થશે. હવે ભારતીય નાગરિક બની ચૂકેલા મહેતાબસિંહ અને સોઢા સ્વરૂપસિંહ નરશીજી નામના બે યુવાનોએ આનંદ વ્યક્ત કરતા અંતમાં જણાવ્યું હતું કે આજે અમારા માટે આ સર્ટિફિકેટ એનાયતનો કાર્યક્રમ દિવાળીના તહેવારો કરતા પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ તકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, મોહનભાઇ કુંડારિયા સહિત પીએમ નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહનો ઉપસ્થિત શરણાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.