છેલ્લા 5 સપ્તાહથી વરસાદની ચાતક નજરે રાહ જોતા લોકોમાં આનંદની લાગણી: વાતાવરણમાં ઠંડક પ્રસરીટંકારા (મોરબી અપડેટ) : છેલ્લા 5 સપ્તાહથી મેઘરાજાની આકાશી અમિછાંટણાની ચાતક નજરે રાહ જોઈ રહેલા ટંકારા પંથકના ગ્રામજનો અને જીવમાત્ર માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. ભારે અંધારપટ અને આકાશી મેઘડંબર વચ્ચે ટંકારા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો હતો.સાંજની વેળાએ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને એકી ઝાટકે માત્ર અડધા કલાકમાં જ 1 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ત્યારબાદ ધીમી ધારે ટહક-ટહક થતાં વધુ 0.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. આમ, ટંકારા પંથકમાં કુલ 1.5 ઈંચ (37 mm) વરસાદ નોંધાયો છે.ફલડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, આજે સવારે 6 વાગ્યા સુધીમાં ટંકારામાં કુલ 37 mm વરસાદ ખાબક્યો છે. લાંબા વિરામ બાદ પડેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનોમાં આનંદની લહેર દોડી ગઈ છે. વરસાદ ખેંચાતા મુશ્કેલીનો સામનો કરી રહેલા ખેડૂતોના પાકને હવે જીવતદાન મળશે. તદુપરાંત સુસ્ત પડેલી વેપારી બજારમાં પણ આ વરસાદ નવી મહેક અને તેજી લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.#Morbi #Tankara #Monsoon #Rain #TankaraRain #MorbiUpdates #MorbiNews #GujaratWeather