મોરબી : આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં નવયુગ સંકુલમાં અભ્યાસ કરતાં અને ભરવાડ સમાજના ઓમ બાબુભાઈ મુંધવાએ 99.68 PR મેળવીને સમગ્ર ભરવાડ સમાજમાં પ્રથમ નંબર મેળવ્યો છે.ઓમ મુંધવાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધોરણ 10માં તેણે 99.68 PR અને 95.83 ટકા મેળવ્યા છે. તે પહેલેથી જ અભ્યાસમાં પાવરધો હતો. નવયુગ સંકુલમાં તેણે શિક્ષકોના સાથ સહકારથી ખુબ જ મહેનત કરીને આ પરિણામ મેળવ્યું છે. તે ગણિતમાં થોડો વીક હતો પરંતુ નવયુગ સંકુલના અમિત સરના માર્ગદર્શનના કારણે તેણે ધોરણ 10માં ગણિત વિષયમાં 100માંથી 99 માર્ક્સ મેળવ્યા છે.સમગ્ર ગુજરાતમાં ભરવાડ સમાજના ગ્રુપમાં ટોપ-50 વિદ્યાર્થીઓમાંથી તેણે પ્રથમ નંબર મેળવ્યો છે. તેના પિતા બાબુભાઈ મુંધવા સિરામિક ટ્રેડિંગ સાથે સંકળાયેલા છે. તેના માતાએ ઘરકામ કરતાં કરતાં તેને અભ્યાસમાં ખૂબ જ સાથ-સહકાર આપ્યો છે. ધોરણ 10માં આ ઝળહળતી સફળતા બાદ તે ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં બી-ગ્રુપમાં અભ્યાસ કરી આગળ MBBSનો અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવે છે.