ખેડૂતે ત્રણ દીપડા આવ્યા હોવાની ફરિયાદ કરી, વન વિભાગના મતે દીપડા સમૂહમાં ન આવે વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસીકા ગામના વાડી વિસ્તારમાં ત્રણ દીપડાઓએ ખેડૂત ઉપર હુમલો કર્યો હોવાની વનવિભાગને ફરિયાદ કરતા વનવિભાગે હાલમાં આ ખેડૂતની વાડી આસપાસ પાંજરું ગોઠવ્યું છે, જો કે રાની પશુ દીપડા હમેશા એકલા વિહાર કરતા હોય છે અને સમૂહમાં વિચરણ ન કરતા હોવા છતાં હાલ આ મામલે વન વિભાગ ગંભીર બની દીપડાના સગડ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામના ખેડૂત હેમંતભાઈ મેણંદભાઈ ડાંગર નામના ખેડૂત રાત્રીના સમયે પોતાની વાડીએ હતા ત્યારે ત્રણ દીપડાઓએ હુમલો કરતા પોતે વાડીની અગાસીએ ચડી જઈ જીવ બચાવ્યો હોવાનું વનવિભાગને ફરિયાદ કરી હતી. વધુમાં આ મામલે વાંકાનેર વનવિભાગના અધિકારી પી.પી.નરોડીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતની ફરિયાદ બાદ તેમની વાડી નજીક પાંજરું મુકવામાં આવ્યું છે. જો કે ખેડૂતની વાડી આસપાસના વિસ્તારમાં હાલમાં દીપડાના કોઈ સગડ ન મળ્યા હોવાનું પણ વનવિભાગે જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ અગાઉ ખેડૂત હેમંતભાઈની વાડીમાં દીપડાએ હુમલો કરી પશુઓનો મારણ કર્યું હોવાનું અને વન વિભાગે વળતર પણ ચૂકવી દીધાનું જાણવા મળે છે, બીજી તરફ એક સાથે ત્રણ ત્રણ દીપડાએ હુમલો કર્યો હોવાનું આ ઘટનામાં વન વિભાગના અધિકારી પી.પી.નરોડીયાએ જણાવ્યું હતું કે સામાન્ય સંજોગોમાં દીપડો એકલો જ વિચરણ કરતો હોય છે, સિવાય કે બચ્ચા વાળી માદા હોય તો જ સમૂહમાં જોવા મળતા હોય છે પરંતુ ખેડૂતની ફરિયાદને પગલે હાલમાં વનવિભાગ ગંભીરતાથી દીપડાના સગડ મેળવવા પ્રયાસ કરી રહ્યું હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.