ત્રાજપર ચોકડી નજીક પાન - બીડીની હોલસેલ દુકાનમાં પાંચ વર્ષથી કામ કરતો શખ્સ ગોલમાલ કરતા સીસીટીવીમાં કેદ થયો મોરબી : મોરબીની ત્રાજપર ચોકડી નજીક આવેલી પાન - બીડીની હોલસેલ દુકાનમાંથી રૂપિયા 9.58 લાખનો તમાકુનો જથ્થો બરોબર પગ કરી જતા દુકાન માલિકે દુકાનમાં સીસીટીવી ગોઠવી તમાકુ ચોરી કરી જનાર દુકાનના નોકરને રંગે હાથ ઝડપી લઈ ચોરી અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ જય કોમ્પલેક્ષમા ખોડીયાર સેલ્સ એજન્સી નામની દુકાન ધરાવતા અલ્પેશભાઇ કાંતીભાઇ ધમસાણીયાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં તેમની દુકાનમાંથી રૂપિયા 9,58,700 રૂપિયાની કિંમતના તમાકુના 19 કાર્ટૂન ચોરી થવા મામલે દુકાનના જ નોકર એવા જયદિપભાઇ બીપીનભાઇ કાઠીયા, રહે.માધાપર હનુમાન ચોક, મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.વધુમાં દુકાન માલિક અલ્પેશભાઇ કાંતીભાઇ ધમસાણીયાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તમાકુના સ્ટોકમાં ઘટાડો આવતા દુકાનમાં કામ કરતા ચાર માણસો ઉપર શંકા જતા તેઓએ સીસીટીવી કેમેરા ગોઠવતા આરોપી એવો નોકર જયદિપભાઇ બીપીનભાઇ કાઠીયા તમાકુનું કાર્ટૂન લઈને જતો જોવા મળતા તમાકુની ચોરી તેને જ કર્યાનું બહાર આવતા ફરિયાદ નોંધાવી હતી, હાલમાં પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.