Morbi: મોરબીના સો-ઓરડી વિસ્તારમાં પોટરી તાલુકા શાળા ખાતે એક વૃદ્ધ મહિલા મોતિયાના ઑપરેશનના ચાર કલાક બાદ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમનો મતદાન માટેનો આ ઉત્સાહ જોઈ અન્ય લોકોને પણ પ્રેરણા મળી હતી.મોરબી અપડેટની ટીમ આજે પોટરી તાલુકા શાળા ખાતે પહોંચી હતી ત્યારે એક 70 વર્ષના વૃદ્ધા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ વૃદ્ધાએ હજુ ચાર કલાક પહેલા જ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું. જો કે વૃદ્ધાએ ઓપરેશન બાદ આરામ કરવાની જગ્યાએ પોતાનો નાગરિક ધર્મ સમજીને મતદાન કરવાનું નક્કી કર્યું હતું અને તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા અને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. મહત્વનું છે કે, પોટરી તાલુકા શાળા ખાતે બપોર સુધીમાં 60% થી વધુ મતદાન થઈ ચૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું.