રોડની વચ્ચે વીજપોલ, નીચે પાણીની લાઈન પણ તૂટેલી : હવે રોડ બન્યા બાદ ફરી તોડવો પડે તેવી સ્થિતિમોરબી : મોરબીમાં મહેન્દ્રનગર-ઘુંટુ રોડના કામમાં તંત્રએ ઉતાવળે અનેક ક્ષતિઓ રાખી છે. આ રોડની વચ્ચે જ વીજપોલ આવી ગયા છે ઉપરાંત નીચે પાણીની લાઈન તૂટેલી છે. છતાં રોડનું કામ ચાલુ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ મામલે સ્થાનિક વિવેકભાઈએ જણાવ્યું કે હાલ મહેન્દ્રનગર ઘુંટુ રોડનું કામ ચાલી રહ્યું છે. આ રોડની નીચે પાણીની લાઈન તૂટેલી હાલતમાં છે. તંત્રને રજુઆત કરવામાં આવી છતાં પણ પાણીની લાઈન રીપેર કર્યા વગર રોડનું કામ ચાલુ છે. જો અહીં રોડ બની જશે તો ફરી પાણીની લાઈનના કામ માટે રોડને તોડવાની નોબત આવશે. વધુમાં અહીં વચ્ચોવચ પીજીવીસીએલના વીજ પોલ છે. જેને હટાવવામાં આવ્યા નથી. આમ રોડના કામમાં આવી ક્ષતિઓ રહી ગઈ છે. જેને દૂર કરવાને બદલે ઝડપથી રોડનું કામ પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહાપાલિકા આ મામલે ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.