તા. 4 ફેબ્રુઆરી - વિશ્વ કેન્સર દિવસ : વર્ષ 2025ની થીમ છે યુનાઇટેડ બાય યુનિકમોરબી : દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસ, લોકોમાં કેન્સર વિશે જાગરૂકતા, તેની સારવાર, અટકાયત અને નિદાનના મહત્વને ઉજાગર કરવા માટે સમર્પિત છે. સાથે જ, આ દિવસ વૈશ્વિક સ્તર પર કેન્સરથી પ્રભાવિત લોકોનો અવાજ ઉઠાવવા અને સસ્તી, સુલભ સ્વાસ્થ્ય સેવાઓની જરૂરિયાતને પણ દર્શાવે છે. આ વર્ષે આ દિવસને ‘યુનાઇટેડ બાય યુનિક’ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. કેન્સરના પડકારને ખુલ્લા મનથી સ્વીકારીને તેની હકીકતો તરફ ધ્યાન કેન્દ્રીત કરીને સારવાર કરો તો કંઈ જ અશક્ય નથી. આપણે સૌએ એક વાત સમજવી પડશે તે જો મક્કમ નિર્ધાર હોય તો કેન્સરને હરાવવું મુશ્કેલ નથી બસ પૂરા આત્મવિશ્વાસ સાથે યોગ્ય સમયે યોગ્ય સારવાર લેવી ખૂબ જરુરી છે. પ્રથમ તબક્કામાં જ જો યોગ્ય અને પૂરે પૂરી સચોટ સારવાર લેવામાં આવે તો કેન્સરને દૂર કરી શકાય છે, બીજા અને ત્રીજા તબક્કામાં યોગ્ય સારવારથી કેન્સરને કાબૂમાં લાવી શકાય છે.કેન્સર એટલે શું?કેન્સર એ એક રોગ છે જે ત્યારે થાય છે જ્યારે શરીરની અંદરના સામાન્ય કોષોના જૂથમાં ફેરફારો અનિયંત્રિત, અસામાન્ય વૃદ્ધિ તરફ દોરી જાય છે જે એક ગઠ્ઠો બનાવે છે જેને ગાંઠ કહેવાય છે; લ્યુકેમિયા (લોહીનું કેન્સર) સિવાયના તમામ કેન્સર માટે આ સાચું છે. જો સારવાર ન કરવામાં આવે તો, ગાંઠો વધે છે અને આસપાસના સામાન્ય પેશીઓમાં, અથવા લોહીના પ્રવાહ અને લસિકા તંત્ર દ્વારા શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે, અને પાચન, નર્વસ અને રુધિરાભિસરણ તંત્રને અસર કરી શકે છે અથવા શરીરના કાર્યને અસર કરી શકે તેવા હોર્મોન્સ મુક્ત કરી શકે છે.કેન્સરના જુદા જુદા સ્ટેજ કયા હોય છે?કેન્સરના વિવિધ તબક્કા કેન્સરની ગાંઠના કદ, લસિકા ગ્રંથિઓમાં તેનો ફેલાવો તથા શરીરના અન્ય અંગોમાં થયેલ ફેલાવાને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે. પ્રથમ સ્ટેજ, જ્યારે કેન્સરની ગાંઠ 2 સેંટીમીટર કરતાં પણ નાની હોય અને તેનો કોઈપણ અન્ય જગ્યાએ ફેલાવો ના થયો હોય તો રોગ તેના પ્રથમ તબક્કામાં છે તેવું ગણવામાં આવે છે. બીજો સ્ટેજ, જ્યારે કેન્સરની ગાંઠનું કદ 2 થી 5 સેંટીમીટર વચ્ચેનું હોય તથા તેનો ફેલાવો લસિકા ગ્રંથિમાં થતો હોય.ત્રીજો સ્ટેજ, જ્યારે કેંસરની ગાંઠનું કદ 5 સેંટીમીટર કરતાં વધારે હોય અને તેનો ફેલાવો વધુ લસિકા ગ્રંથિઓમાં થયો હોય. ચોથો સ્ટેજ, જ્યારે ગાંઠનું કદ ખૂબજ વધી જાઈ અને તે શરીરના અન્ય અંગોમા પ્રસરે છે.કૅન્સરની સારવારની મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ●શસ્ત્રક્રિયા : આ પધ્ધતિમાં કૅન્સર થયેલાં ભાગને કાઢી નાંખવામાં આવે છે.●વિકિરણ સારવાર (રેડિયોથેરાપી) : આ પધ્ધતિમાં કૅન્સર કોષોનો વિકિરણની મદદથી નાશ કરવામાં આવે છે.●દવાઓની સારવાર (કિમોથેરાપી) : આ પ્રકારની સારવારમાં કૅન્સરવિરોધી દવાઓ આપવામાં આવે છે. કૅન્સરની સારવારમાં હાલમાં ઘણી અસરકારક દવાઓ ઉપલબ્ધ છે.●રાહતદાયી સંભાર (પેલિએટિવ કેર) : જેમાં કેન્સરનાં દુખાવા અને અન્ય તકલીફોની સારવાર આપવામાં આવે છે. PMJAY-MA અંતર્ગત છેલ્લા 6 વર્ષોમાં ગુજરાતમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવારPMJAY-MA અંતર્ગત છેલ્લા 6 વર્ષોમાં ગુજરાતમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને નિ:શુલ્ક સારવારની સુવિધા મળી છે. ગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંયુક્ત રીતે સંચાલિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) એ વર્ષ 2024માં કેન્સરના 25,956 કેસોમાં સારવાર પૂરી પાડી છે. જેમાં ગુજરાતમાંથી 17,107 કેસ, અન્ય રાજ્યોના 8,843 (ખાસ કરીને મધ્યપ્રદેશથી 4331, રાજસ્થાનથી 2726 અને ઉત્તરપ્રદેશથી 1043, બાકીના અન્ય રાજ્યોના) અને 6 કેન્સરના કેસ આંતરરાષ્ટ્રીય કેસ છે. આટલું જ નહિ, વર્ષ 2024માં GCRIએ 78 કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ આયોજિત કર્યા હતા, જેનો લાભ 7700 લોકોએ મેળવ્યો હતો. આવી જ રીતે, 22 જાગરૂકતા લેક્ચર્સ પણ આયોજિત કર્યા, જેનો લાભ 4550 લોકોએ મેળવ્યો હતો. GCRIએ 41 રક્તદાન શિબિરોનું પણ આયોજન કર્યું હતું. ડિસ્ટ્રીક્ટ ડે કેર કીમોથેરાપી કેન્દ્રોના માધ્યમથી કેન્સર સારવારની સુવિધાવડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 11 ઓક્ટોબર, 2022ના રોજ શરૂ કરવામાં આવેલી એક પરિવર્તનકારી પહેલ હેઠળ, રાજ્યના તમામ જિલ્લાઓમાં 35 ડે કેર કીમોથેરાપી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રો જિલ્લા હોસ્પિટલોમાં જરૂરી કીમોથેરાપી સારવાર પૂરી પાડે છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), અમદાવાદ તેમજ સિદ્ધપુર, રાજકોટ અને ભાવનગર ખાતેના તેમના અન્ય 3 સેટેલાઇટ કેન્દ્રોના સહયોગથી જિલ્લા હોસ્પિટલોમાં સ્થિત ડે કેર કીમોથેરાપી કેન્દ્રો જરૂરી સારવાર સેવાઓ, ટેલિ-કન્સલ્ટન્સી સેવાઓ અને જરૂરી દવાઓ પૂરી પાડે છે. આંકડાઓની વાત કરીએ તો, વર્ષ 2024 સુધીમાં, આ તમામ ડે કેર કીમોથેરાપી કેન્દ્રો પર 71,000થી વધુ દર્દીઓએ 2 લાખ 3 હજારથી વધુ કીમોથેરાપી સેશન્સ (cycles) લીધા છે.