ગૌમાતાની કતલ કરી માસની તસ્કરીનું કૌભાંડ મોરબી જિલ્લા ઉપરાંત સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ ફેલાયેલું હોય મોટી સંખ્યામાં ગૌમાતાની હત્યા થઈ હોવાની શક્યતાઆરોપી એવા ચીખલી ગામના પિતા-પુત્ર દૂધ ન આપતી હોય તેવી ગાયો નજીવા પૈસા લઈને ચારવા માટે લેતા, બાદમાં આ ગાયોની રણ વિસ્તારમાં કતલ કરી નાખતા હળવદ : મોરબી જિલ્લામાં ગૌમાતાની કત્લેઆમ થઈ હોવાનો પર્દાફાશ થયો છે. માળિયા(મી.) પંથકમાંથી 13 ગાયોને ગુમ કરી તેની કતલ કરનાર પિતા-પુત્રએ હળવદ પંથકમાંથી પણ 45 ગાયો ગુમ કરીને તેની હત્યા કરી હોવાનો ધડાકો થયો છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે હજુ પણ અનેક સ્થળોએથી આ પિતા-પુત્રએ ગાયોને ગુમ કરી હત્યા કર્યાનું ખુલે તેવી શકયતા છે.માળીયા મીયાણાના ખાખરેચી ગામે રહેતા માલધારીઓએ ચીખલી ગામે રહેતા પિતા-પુત્રને તેની 50 જેટલી ગાયોને ચરાવવા માટે આપી હતી. જે પૈકીની 14 જેટલી ગાય પરત ન આપતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી.બાદમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે 14 ગાયો વેચી નાખવામાં આવી હતી. જે ચાર શખ્સોસ આ ગાયો ખરીદી તેઓ 13 ગાયોની કતલ કરી નાખી હતી. માળિયા તાલુકા પોલીસે મુસ્તાક આમીનભાઈ લધાણી અને આમીન કરીમભાઈ લધાણી રહે, બંને ચીખલીવાળા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બાદમાં અન્ય 4 શખ્સોના નામ પણ ખુલતા તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવને પગલે સમગ્ર જિલ્લામાં માલધારીઓ તેમજ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવી આવી તો 100થી વધુ ગાયોની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. હવે આ વાત સાચી ઠરી રહી છે. કારણ કે આરોપી પિતા પુત્ર વિરૂદ્ધ આજે રાત્રીના હળવદ પોલીસ સ્ટેશન ખાતે પણ ફરિયાદ નોંધાઈ છે. મેહુલભાઈ અરજણભાઈ ગોલતર રહે.નવા અમરાપર નામના ફરિયાદીએ તેની ફરિયાદમાં જણાવ્યું છે કે પિતા પુત્ર એવા મુસ્તાક અમીન લધાણી અને અમીન કરીમ લધાણી બન્ને રહે. ચીખલીવાળાએ સાતેક મહિના પહેલા તેમની 25 ગાયો તથા જીવણભાઈ ખેતાભાઇની 20 ગાયો ચરાવવા લીધી હતી. આમ કુલ 45 ગાયો તેઓ લઈ ગયા હતા. જે ગાયો તેઓએ પરત આપી ન હતી અને ક્રુરતા પૂર્વક કાપી કે કપાવી નાખી છે. આ ફરિયાદને આધારે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આમ આ પિતા પુત્રની જોડીએ હળવદ પંથકમાંથી પણ ગાયો લઈ તેની કતલ કર્યાનું સામે આવ્યું છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર આ પિતા પુત્ર દૂધ ન આપતી હોય તેવી ગાયો નજીવા પૈસા લઈને ચારવા માટે લેતા હતા. બાદમાં આ ગાયોની રણ વિસ્તારમાં કતલ કરી નાખતા હતા. ગૌમાતાની કતલ કરી માસની તસ્કરીનું આ કૌભાંડ મોરબી જિલ્લા ઉપરાંત સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ ફેલાયેલું હોય મોટી સંખ્યામાં ગૌમાતાની હત્યા થઈ હોવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે.