એલસીબી ટીમે બોલેરો, સ્કોર્પિયો સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યોમોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક ટ્રાન્સપોર્ટ ઓફીસ પાસે સ્કોર્પિયો ગાડીમાં આવેલ ત્રિપુટીએ ટ્રક ચાલકો પાસેથી છરીની અણીએ 750 લીટર ડીઝલની લૂંટ કરવાના ચકચારી બનાવમાં મોરબી એલસીબી ટીમે નજરબાગ નજીકથી સ્કોર્પિયો લઈને ઉભેલા બે શખ્સને પકડી પાડતા ડીઝલ લૂંટ ચોરીના આ બનાવમાં કચ્છની કુખ્યાત સમા ગેંગ સામેલ હોવાનો ખુલાસો થયો હતો.હાલમાં એલસીબી ટીમે બે આરોપીઓને બોલેરો, સ્કોર્પિયો, લૂંટલ ડીઝલ સહિતના 10લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગઈકાલે લાલપર નજીક વિજય ટ્રાન્સપોર્ટ પાસેથી અલગ અલગ છ ટ્રકમાંથી છરીની અણીએ ડીઝલની દિલધડક લૂંટ અંગેનો ગુન્હો દાખલ થયા બાદ મોરબી એલસીબી ટીમે નજરબાગ નજીક લૂંટમાં ઉપયોગમાં લીધેલ જીજે - 12 - સીજી - 2218 નંબરની સ્કોર્પિયો કાર સાથે અમુક શખ્સો હાજર હોવાની બાતમી મળતા દરોડો પાડતા આરોપી આમદ ઉર્ફે ભાભો સીદીકભાઈ સમાં રહે.નાનાદીનારા ભુજ કચ્છ અને મૂળ ઉત્તર પ્રદેશ હાલમાં મકનસર ખાતે રહેતો આરોપી શિવકુમાર હરિસિંહ કરણ નામના શખ્સ ઝડપાઇ જતા આરોપીઓના કબ્જામાંથી 5 લાખની સ્કોર્પિયો ગાડી, 3 લાખની એક બોલેરો ગાડી, 750 લીટર ડીઝલ, એક મારુતિ ઇકો, છરી, ડીઝલ ભરવાના કેરબા, ડીઝલ કાઢવાની પાઇપ તેમજ બે મોબાઈલ સહિત રૂ.10,74,850નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.વધુમાં પોલીસની પૂછતાછમા આરોપીઓ લાંબા સમયથી હાઇવે ઉપર હોટલ તેમજ અન્ય સ્થળોએ ઉભેલા ટ્રકમાંથી ડીઝલ ચોરતા હોવાનું અને ડીઝલ ચોર ગેંગ સમાં ગેંગ તરીકે કચ્છમાં કુખ્યાત હોવાનું સામે આવ્યું હતુ. ડીઝલ લૂંટવાના આ કેસમાં આરોપીઓની કબુલાતના આધારે આરોપી હનીફ ઓસમાણ સમા રહે.મોટા બાંધા, કચ્છ ભુજ, આરોપી અબુબકર રમઝાન સમાં રહે.મોટા દીનારા કચ્છ ભુજ અને આરોપી મજીદ તૈયબ સમા રહે.નાના દીનારા કચ્છ ભુજ વાળાના નામ ખુલતા ત્રણેયને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.મોરબી એલસીબીએ પકડી પડેલા બે આરોપી અને નહિ પકડાયેલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ સંખ્યાબદ્ધ કેસ નોંધાયેલ હોવાનું પણ પોલીસ તમાસમાં સામે આવ્યું છે. આ સંજોગોમાં મોરબી વિસ્તારના ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટરને રાત્રીના સમયે સીસીટીવી હોય તેવા સ્થળોએ જ ટ્રક પાર્ક કરવા પોલીસે અનુરોધ કર્યો હતો.