આ વાયરસ જૂનો જ છે, ડરવાની જરૂર નથી માત્ર તકેદારી રાખવી જરૂરી : સિવિલ અધિક્ષક ડો.પી.કે.દૂધરેજીયામોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસ માટે રેપીડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે. આ સાથે હોસ્પિટલમાં 15 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ વાયરસ જૂનો છે. લોકોએ ડરવાની જરૂર નથી માત્ર તકેદારી રાખવી જરૂરી છે. તેમ સિવિલ અધિક્ષકે જણાવ્યું હતું. મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.પી.કે.દુધરેજીયાએ જણાવ્યું કે તમામ પીએચસીના મેડિકલ ઓફિસરને સિવિલની ટિમ દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે ટ્રેનિંગ આપવામાં આવી હતી. જે ડૉક્ટરોનો મહત્વનો રોલ હોય તેની સાથે મિટિંગ પણ કરવામાં આવી છે. સ્ટેટ લેવલની કમિટી સાથે કાલે વિડીયો કોન્ફરન્સ થઈ હતી. ત્યાંથી સૂચના મળી એ પ્રમાણે પૂર્વ તૈયારી કરવાની છે. લોકોમાં પ્રચાર પ્રસાર પણ કરવાનો છે. ભયનો માહોલ ઉભો ન થાય તેની તકેદારી રાખવાની છે.હોસ્પિટલ ખાતે પહેલા તબક્કામાં 8 અને બીજા તબક્કામાં 7 એમ કુલ 15 બેડ તૈયાર કર્યા છે. હોસ્પિટલ ખાતે રેપીડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે. આના માટે એન્ટી વાયરલ ડ્રગ્સ માર્કેટમાં ઉપલબ્ધ નથી. હાલ તમામ દવાઓ અને અન્ય સામગ્રીઓ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. આવો કોઈ કેસ આવે તો ટેસ્ટિંગ માટે સેમ્પલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવાનું રહેશે.તેઓએ ઉમેર્યું કે આ વાયરસના સામાન્ય તાવ, શરદી, ઉધરસ જેવા જ લક્ષણો છે. તેમાંથી કોઈ દર્દી શંકાસ્પદ લાગે તો જ ઓબ્ઝર્વેશનમાં રાખવાના છે. આ વાયરસ નવો નથી. જૂનો જ વાયરસ છે. અન્ય દેશમાં કેસ વધ્યા છે એટલે આપણે તકેદારી રાખવાની છે.