અકસ્માતથી મૃત્યુઆંક ઘટાડવાના પૂરતા પ્રયત્નો કરાશે, મચ્છુ-2 ડેમના 32 દરવાજા રીપેર કરાશે, માળિયામાં પાણી ન ભરાઈ તેવી વ્યવસ્થા કરાશે, આરોગ્ય સેવાને વધુ સારી બનાવી તેનો વ્યાપ વધારાશે મોરબી : મોરબીમાં વર્ષ 2025માં શુ લક્ષ્ય છે. શુ કામગીરી કરવામાં આવશે ? તે અંગે જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ મોરબી અપડેટ સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે વહીવટી તંત્ર દ્વારા ટ્રાફીક ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કલેકટરે જણાવ્યું કે શહેરમાં સિગ્નલ 3થી 4 જેટલા ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવશે. ટીંબડી પાટિયા પાસે સાઈડનો રોડ ડેવલપ કરવામાં આવશે. રોંગ સાઈડમાં ચાલતા ટ્રક તેમજ અન્ય વાહનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ઓવર લોડ ટ્રક સામે પણ કડક કાર્યવાહી કરાશે. વગર લાયસન્સે જે બાળકો સ્કૂટર લઈને નીકળે છે. જેના નામે વ્હીકલ છે તેની સામે કડક કાર્યવાહી કરાશે. ગત વર્ષ કરતા આ વર્ષે મૃત્યુઆંક ઘટ્યો છે. જેને હજુ વધુ ઘટાડવા વહીવટી તંત્ર પુરા પ્રયત્ન કરશે. મચ્છુ-2 ડેમના 5 દરવાજા રીપેર કરવામાં આવ્યા છે. હવે 32 દરવાજા ફેબ્રુઆરી પછી રીપેર કરાવીશું. મોરબી શહેર અને જિલ્લા માટે આ મહત્વની કામગીરી હશે. માળિયામાં પાણી ન ભરાઈ તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આગામી તા.3એ કમિટીની બેઠક છે. જેમાં જરૂરી ચર્ચા વિચારણા કર્યા બાદ ઝડપથી પગલાં લેવામાં આવશે.સરકારની આરોગ્ય વિષયક સેવાઓમાં સામાન્ય તેમજ ગરીબ લોકો માટે ખૂબ મહત્વની છે. માટે સરકારી યોજનાઓનો વ્યાપ વધે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવશે. ઉપરાંત સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો ખાતે વધુમાં વધુ દવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.