મેઇન્ટેનન્સના નામે છાસવારે વીજકાપથી લોકો કંટાળ્યા, આજે પણ અનેક વિસ્તારમાં પાવર કાપમોરબી : મોરબીમાં કાળઝાળ ગરમી અને બફારામાં વીજતંત્રના ધાંધિયાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાસ કરીને મેઇન્ટેનન્સના નામે વીજ તંત્ર દ્વારા છાસવારે વીજકાપથી લોકો કંટાળ્યા છે. આજે બુધવારે પણ અનેક વિસ્તારમાં પાવર કાપ મૂકવામાં આવ્યો છે.પ્રીમોન્સૂન એક્ટિવિટી હેઠળ સોમવારે રાત્રે મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય વરસાદની સાથે જ પીજીવીસીએલની પોલ છતી થઈ હતી. સોમવારે રાત્રે વરસાદને પગલે મોરબી શહેરમાં અનેક સ્થળોએ વીજળી ગુલ થઈ હતી.એક તરફ કાળઝાળ ગરમી અને તેમાં પણ વરસાદી ઝાપટું વરસતા અસહ્ય બફારો અનુભવાતા લોકો વીજળી વગર હેરાન પરેશાન થઈ ગયા હતા.જો કે, અનેક વિસ્તારમાં સવાર સુધી વીજ પુરવઠો પૂર્વવત ન થતા લોકો અકળાઈ ઉઠ્યા હતા.ઉલ્લેખનીય છે કે, મોરબી શહેર અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અવાર નવાર મેઇન્ટેનન્સના નામે વીજકાપ લાદવામાં આવી રહ્યો હોવા છતાં વીજ ગ્રાહકોને સાતત્ય પૂર્વક વીજ પુરવઠો ન મળતો હોવાની વ્યાપક ફરિયાદ પણ ઉઠી છે. રહેણાંક હોય કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય વીજળી ગુલ થયા બાદ પીજીવીસીએલના કંટ્રોલરૂમમાં કે અધિકારીઓ ફોન ઉપાડવાની તસ્દી પણ ન લેતા હોવાની પણ લોકોમાં ફરિયાદ ઉઠી છે.આજે બુધવારે પણ મોરબી શહેર અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાના અનેક વિસ્તારોમાં વીજળી નહિ મળેચોમાસાના આગમન પૂર્વે પીજીવીસીએલ દ્વારા શહેરના અનેક વિસ્તાર તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આજે પાવર કાપ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે શહેર પેટા વિભાગ 1માં નવા બસસ્ટેન્ડ ફીડર હેઠળ આવતા હાઉસિંગ બોર્ડ, જીઆઇડીસી, ચિત્રકૂટ વગેરે સોસાયટીમાં સવારે 7.30થી બપોરના 3.30 સુધી, ટેલીકોમ ફીડર હેઠળ આવતા વસંતપ્લોટ, કાયાજી પ્લોટ, ક્રિષ્ના પાર્ક વગેરે સોસાયટીમાં સવારે 8થી 10 સુધી, ઘુંટુ ઔદ્યોગિક ફીડરમાં સવારે આઠથી સાંજના સાત વાગ્યા સુધી અને મોરબીના ઔદ્યોગિક ફીડર હેઠળના કેરાળા, રાજા અને એરિકોન ઇન્ડસ્ટ્રીયલ ફીડરમાં સવારે 8.30થી સાંજના 4 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં તેવું પીજીવીસીએલ દ્વારા જાહેર કરાયું છે.