પાણી ઉપરથી છોડાય છે, પણ ચોરી અને બગાડને કારણે મોરબી જિલ્લા સુધી નથી પહોંચતું : કાંતિલાલ લાલઘૂમ 

- text


બેદરકારી અધિકારીઓની, અમારે કેનાલ ઉપર જઈને પાણીની ભીખ માંગવી પડે એ યોગ્ય નથી, આવતીકાલે સવારે ઢાંકી કેનાલએ ચેકીંગ હાથ ધરવાનું કાંતિલાલનું એલાન

 https://youtu.be/QvT3lOeK5OU?si=-42-ue-enh2XpR0i

મોરબી : મોરબી જિલ્લામાં મહેનત કરવા છતાં પાણીની સમસ્યા યથાવત રહેતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા કાળઝાળ થયા છે. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઉપરથી પૂરતું પાણી છોડાય છે પણ અધિકારીઓની બેદરકારીના કારણે પાણીનો બગાડ અને ચોરી થતા છેક સુધી પાણી આવતું નથી.

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે ચારથી પાંચ દિવસ ગાંધીનગરમાં સેક્રેટરી અને ચીફ એન્જીનીયરને મળીને મોરબી જિલ્લાને પાણી મળે તે માટે પ્રયાસો કર્યા હતા. ઢાંકીથી પાણી છોડવામાં આવે છે જે બ્રહ્માણીમાં આવે છે. તેમાંથી મચ્છુ અને પછી માળિયા કેનાલમાં આવે છે. ઢાંકીથી તો પૂરતું પાણી છોડવામાં આવે છે. પણ મોરબી જિલ્લા સુધી આ પાણી પહોંચતું નથી.

- text

તેઓએ ઉમેર્યું કે અધિકારીઓની બેદરકારીને કારણે પાણીની ચોરી પણ થાય છે અને પાણીનો બગાડ પણ થાય છે. જેને કારણે મોરબી જિલ્લા સુધી પાણી પહોંચતું નથી. તેઓએ કહ્યું કે તેઓ આવતીકાલે ગુરુવારે સવારે 9 કલાકે ઢાંકી કેનાલ ખાતે જવાના છે. ત્યાં શુ પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવાના છે. આ અંગે સુરેન્દ્રનગર કલેકટર અને ડીએસપીને પણ જાણ કરી દેવામાં આવી છે.

અંતમાં કાંતિલાલે આકરા શબ્દોમાં કહ્યું કે દર વખતે અમારે કેનાલ ઉપર જઈને પાણીની ભીખ માંગવી પડે એ યોગ્ય નથી. બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખવા જોઈએ. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ધારાસભ્ય પાણી મોરબી જિલ્લા સુધી પહોંચતું ન હોય જાત નિરીક્ષણ કરવા જવાના છે. ત્યારે હવે પાણીનો પ્રશ્ન નિવારવા તેઓ આકરા મિજાજમાં હોવાનું જણાય આવે છે.

- text