અંતે વાંકાનેરના હોલમઢમા દીપડો પાંજરે પુરાયો, લોકોને રાહત

- text


પાંજરે પુરાયેલ દીપડાને રામપરા વીડીમા કેદમાં રખાશે

મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર પંથકમાં દીપડાઓનો કાયમી વસવાટ છે ત્યારે હોલમઢ અને જાલસિકા ગામ નજીક દીપડાના આંટાફેરા વધતા વનવિભાગે લોકોની ફરિયાદ બાદ પાંજરું મુકતા ગતરાત્રીના અંદાજે પાંચથી છ વર્ષનો દીપડો પિંજરામાં કેદ થયો છે જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

વાંકાનેર પંથકના જાલસિકા, હોલમઢ, રામપરા સહિતના વિસ્તારમાં દીપડાનો કાયમી વસવાટ છે, તાજા ભૂતકાળમાં દીપડો વાંકાનેર શહેરમાં પણ આંટાફેરા કરી ગયો હતો ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં દીપડો હોલમઢ અને જાલસિકા ગામમા આંટાફેરા કરવા લાગતા ભયભીત બનેલા લોકોએ વન વિભાગને ફરિયાદ કરતા બે દિવસ પહેલા હોલમઢ નજીક પાંજરું મુકવામાં આવ્યું હતું.

- text

દરમિયાન ગતરાત્રીના વનવિભાગે મુકેલા પાંજરામાં દીપડો કેદ થઈ ગયો હોવાનું વન વિભાગના અધિકારી પી.પી.નરોડીયાએ જણાવ્યું હતું. વધુમાં પાંજરામાં પૂરાયેલ દીપડો પાંચથી છ વર્ષનો હોવાનું અને હાલમાં આ દીપડાને રામપરા વિડી અભયારણ્ય ખાતે પાંજરામાં જ કેદ રાખી વનવિભાગની સૂચના મુજબ અન્યત્ર મુકત કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. જો કે, હજુ પણ જાલસિકા અને હોલમઢ નજીક અન્ય દીપડાના આંટાફેરા વધ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે ફરિયાદ મળશે તો વધુ એક પાંજરું ગોઠવવામાં આવશે તેવું વનવિભાગે જાહેર કર્યું હતું.

- text