મોરબી જિલ્લામાં ગ્રાહક સુરક્ષાના કેસોમાં દરખાસ્ત લેવાનું બંધ : ન્યાય મંત્રીને રજૂઆત 

- text


ગ્રાહક સુરક્ષા મંડળે ચિંતા વ્યક્ત કરી રજુઆત કરી

મોરબી : જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં બનેલા કેસને નાણાં ન મળતા દરખાસ્ત ભરવાની થતી હોય હાલ મોરબીમાં દરખાસ્ત લેવાનું બંધ કરી દેવાતા ગ્રાહકોને અન્યાય થઈ રહ્યો છે, ત્યારે આ અંગે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત રાજ્યના ન્યાય મંત્રી ઋષિકેશ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં જીતેલા ગ્રાહકને સામેની પાર્ટી સમય મર્યાદામાં પૈસા ન ચૂકવે તો દરખાસ્ત ભરવાની હોય છે, આખા ગુજરાત રાજ્યમાં દરખાસ્ત ભરાય છે પરંતુ મોરબીમાં દરખાસ્ત લેવાની ના પાડવામાં આવી રહી છે. બે મહિનાથી કોર્ટ બંધ હતી, કારણ કે ન્યાયમૂર્તિ નથી, સભ્ય નથી, સ્ટેનો નથી, ક્લાર્ક નથી, પટાવાળા નથી, ન્યાયમૂર્તિ રાજકોટથી આવે છે, બાકીનો સ્ટાફ જામનગરથી આવે છે. આ પરિસ્થિતિમાં ગ્રાહક હેરાન થઈ રહ્યા છે. પાંચ વર્ષ સુધી કેસ ચાલે અને ગ્રાહક કેસ જીતી જાય, નાણા સમય મર્યાદામાં સામેની પાર્ટી ના ચૂકવે તો દરખાસ્ત ભરે તો સામેની પાર્ટી નાણા ચૂકવી આપે. પરંતુ દરખાસ્ત ભરવામાં આવે નહીં તો વીમા કંપની કે ફાઇનાન્સ કંપની કે અન્ય પાર્ટીને છુટ્ટો દોર મળી જાય અને ગ્રાહકને અંતે ન્યાય મળે નહીં અને સરકારી ગ્રાહક સુરક્ષાની સુંદર યોજના નિષ્ફળ જાય તેવો ઘાટ સર્જાય છે.

- text

વધુમાં કેસ જીતેલા ગ્રાહકને સમય મર્યાદામાં ન્યાય મળે તે માટે દરખાસ્ત સ્વીકારવાની કાર્યવાહી કરવામાં આવે. ન્યાયમૂર્તિ વોરંટ કાઢીને સ્થાનિક પોલીસ ચોકીમાં મોકલે અથવા ગ્રાહકને આપે તો ગ્રાહક જાતે બજાવી શકે છે. અન્ય જિલ્લાની જેમ મોરબી જિલ્લામાં પણ દરખાસ્ત લેવાની કાર્યવાહી કરવામાં આવે. રાજકોટ તથા જામનગરથી આવતા સ્ટાફને બદલે તમામ કાર્યવાહી જ્યાં સુધી સ્ટાફની ભરતી ના થાય ત્યાં સુધી રાજકોટ કેસ ચલાવવામાં આવે તેવી ગ્રાહકની માંગણી કરવામાં આવી છે.

- text