ચેતજો ! મોરબી જિલ્લામાં આજે હિટવેવની આગાહી, ઓરેન્જ એલર્ટ જાહેર

- text


મોરબી : છેલ્લા ઘણા દિવસથી મોરબી જિલ્લામાં અતિશય ગરમી પડી રહી છે. ખાસ કરીને બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે અનેક લોકો હિટસ્ટ્રોકનો પણ શિકાર બની રહ્યા છે. ત્યારે આજે 24 મેના રોજ મોરબી જિલ્લામાં હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આજે મોરબી જિલ્લામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેથી મોરબી જિલ્લામાં આજે તાપમાનનો પારો 45 ડિગ્રી આસપાસ રહી શકે છે. જેથી લોકોને કામ સિવાય બહાર ન નીકળવા પણ હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. મોરબી ઉપરાંત કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, વડોદરા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વલસાડ જિલ્લામાં પણ આજે હિટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગરમીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગઈકાલે જ મોરબી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હિટવેવથી બચવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે નીચે પ્રમાણે છે.


તરસ ન લાગે તો પણ વારંવાર પાણી પીવું

આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, રેડિયો સાંભળો, ટી.વી જોવું, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્રો વાંચવા અથવા હવામાન વિશેની માહિતી આપતી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવા જણાવવામાં આવ્યું છે. વાઈ, હૃદય, કીડની કે યકૃતને લગતી બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતાં પહેલા ડૉક્ટરની સલાહ લેવા જણાવામાં આવ્યું છે.


કામદારો માટે આટલું કરો

વધુમાં જણાવ્યું છે કે, કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. પ્રાથમિક સારવારની પેટીની વ્યવસ્થા કરવી. કાર્ય કરતી વખતે સીધો સૂર્ય પ્રકાશ આવે તેવી સ્થિતિ ટાળવી, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવવુ. જે કામદાર વધુ ગરમીવાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલા નથી તેમને હળવું તેમજ ઓછી અવધિ માટે કામ આપવું.


બપોરના સમયે ઘરની બહાર જવાનું ટાળવું

- text

શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરવો. વજનમાં તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરવા. જો ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખવો. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવવું. બાળકો, વૃદ્ધો, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લૂના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે, તેમની વિશેષ કાળજી લેવી.


લૂ લાગતા વ્યક્તિને આ સારવાર આપવી

જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા તેના માથા પર પાણી રેડવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ. અથવા લીંબુ સરબત જેવું પ્રવાહી આપવું. વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર લઈ જવા. જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુઃખાવો હોય. ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઉલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી.


 

- text