સાતમું નોરતું : હે કાલરાત્રિ, હે કલ્યાણી.. તેરા જોડ ધરા પર કોઈ નહીં..

- text


માતા કાલરાત્રિનું સ્વરુપ જોવામાં ભયાનક પરંતુ ભકતો માટે માતાનું હ્રદય અત્યંત કોમળ

માતાએ રોદ્ર રૂપ ધારણ કરીને લોહીના પ્રત્યેક ટીપાથી સેના બનાવતા રક્તબીજનો સંહાર કરેલો

મોરબી : હે કાલરાત્રિ, હે કલ્યાણી.. તેરા જોડ ધરા પર કોઈ નહીં.. શારદીય નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરાય છે. માતા કાલરાત્રિની ઉપાસના કરવાથી તમામ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને બધા પાપો અને વિઘ્નો દૂર થાય છે. તંત્ર ક્રિયાની સાધના કરવા માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે. તંત્ર ક્રિયાની સાધના કરનારા સાધક રાત્રિના સમયે દેવી કાલરાત્રિની તાંત્રિક વિધિથી પૂજા કરે છે.

માતા કાલરાત્રિનું સ્વરૂપ

માતા કાલરાત્રિનું સ્વરુપ જોવામાં ભયાનક છે. માતાનું આ ભયાનક સ્વરુપ માત્ર પાપીઓનો નાશ કરવા માટે છે. પરંતુ પોતાના ભકતો માટે માતાનું હ્રદય અત્યંત કોમળ છે. આથી, તેમને શુભંકરી પણ કહેવામાં આવે છે. કાળરાત્રિને ત્રિનેત્રી પણ કહેવાય છે. કારણ કે તેમને ત્રણ નેત્ર છે. આ ત્રણ નેત્ર બ્રહ્માંડની જેમ ગોળ છે. માતાનો રંગ કાળો છે. માતાના કેશ લાંબા, છુટ્ટા અને વિખરેલા છે. ગળામાં વિજળીની માળા એકદમ ચમકે છે. માતાજીના શ્વાસથી અગ્નિ ઉત્પન્ન થાય છે અને ભયંકર જ્વાળાઓ નીકળે છે. માતાના ચાર હાથમાં જમણા હાથે વરદાનની મુદ્રા છે તથા આશીર્વાદ આપે છે. ડાબા હાથમાં લોઢાના કાટાળુ છે તથા ઉપલા હાથમાં તલવાર છે. તેમનું વાહન ગર્દભ (ગધેડો) છે.

માતા કાલરાત્રિની કથા

- text

પ્રાચીન પુરાણો પ્રમાણે દૈત્ય શુભ-નિશુંભ અને રક્તબીજે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. રક્તબીજ ખૂબ જ શક્તિશાળી હતો. તેનો વધ તમામ દેવતાઓ મળીને પણ કરી શકતાં નહતાં. રક્તબીજે શિવજીને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કર્યું હતું. વરદાન પ્રમાણે જ્યાં-જ્યાં અસુરના લોહીના ટીપા પડશે, ત્યાં-ત્યાં રક્તબીજની જેમ જ શક્તિશાળી દૈત્ય પેદા થઇ જશે. દેવતાઓ સાથે જ્યારે પણ યુદ્ધ થતું ત્યારે કોઇ દેવતાના પ્રહારથી રક્તબીજના શરીરથી લોહી વહેતું તો અનેક રક્તબીજ ઉત્પન્ન થઇ જતાં હતાં. જેના કારણે દેવતાઓ તેને પરાજિત કરી શકતાં નહોતાં. ત્યારબાદ દેવતાઓની પ્રાર્થનાથી દેવી દુર્ગાએ રક્તબીજ સાથે યુદ્ધ કર્યું.

માતા દૈત્યના અંગને કાપતાં હતાં. જેવા તે અસુરના લોહીના ટીપા નીચે પડતાં, તેટલાં જ નવા દૈત્ય ઉત્પન્ન થઇ જતાં હતાં. ત્યારે દેવીએ ચંડિકાને આદેશ આપ્યો કે, હું જ્યારે તે રાક્ષસ ઉપર પ્રહાર કરું, ત્યારે તમારે તેના લોહીને પી જવું. જેથી, નવા રાક્ષસ ઉત્પન્ન થશે નહીં. ચંડિકાએ દેવીની આજ્ઞાથી આવું જ કર્યું. ચંડિકાએ પોતાનું મુખ વિકરાળ કરી લીધું અને અનેક રાક્ષસોને ગળી ગયાં. રક્તબીજના લોહીને ધરતી ઉપર પડતાં પહેલાં જ તે તેનું સેવન કરી જતાં. આમ, માતાએ રોદ્ર રૂપ ધારણ કરીને લોહીના પ્રત્યેક ટીપાથી સેના બનાવતા રક્તબીજનો સંહાર કરેલો હતો.

- text